Canberra,તા.30
ભારતનાં ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારાએ સલાહ આપી છે કે, કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ અને રોહિત શર્માને નંબર 3 પર આવવું જોઈએ.
રોહિતની ગેરહાજરીમાં પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે રાહુલે ઓપનિંગ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં બે પ્રવાસમાં ભારતીય બેટ્સમેનોની કરોડરજ્જુ બની રહેલાં પુજારાનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં 295 રનની જીત બાદ ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. જયસ્વાલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે રાહુલે 26 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી.
પૂજારાએ એક ક્રિકેટ વેબસાઈટને કહ્યું, ’મને લાગે છે કે બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. કેએલ અને યશસ્વી ઇનિંગની શરૂઆત કરે છે અને રોહિત ત્રીજા અને શુભમન ગિલ પાંચમા ક્રમે આવે છે. તેણે કહ્યું, ’જો રોહિત ઇનિંગ્સની શરૂઆત કરવા માંગે છે, તો રાહુલ ત્રીજા નંબર પર આવવો જોઈએ.
પરંતુ તેનાથી નીચે નહીં. મને લાગે છે કે, રાહુલે ટોપ ઓર્ડરમાં રમવું જોઈએ કારણ કે તે તેની શૈલીને અનુકૂળ છે. પૂજારાએ કહ્યું, ’ગિલને 5માં નંબર પર આવવું જોઈએ કારણ કે તે તેને સમય આપશે. જો બે વિકેટ વહેલી પડી જાય તો પણ તે નવી બોલને સારી રીતે રમી શકે છે.
બોલિંગ લાઇન અપમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ
પૂજારા એડિલેડમાં બોલિંગ લાઈનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતો નથી. અર્થાત, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે અને હર્ષિત રાણાના સ્થાને આકાશ દીપ કે પ્રસિદ્ધ કૃષ્ણને સામેલ કરવાની કોઈ શક્યતા નથી.
પૂજારાએ કહ્યું, ’તેમાં કોઈ શંકા નથી. આ બોલરોએ આપણે સફળતા આપાવી છે. બુમરાહ સારાં ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, સિરાજે પણ સારી બોલિંગ કરી અને તેને હર્ષિતનો સાથ મળ્યો હતો. તેણે ઘણી સારી બોલિંગ કરી હતી. તમારે સમજવું પડશે કે તે તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો, તેમ છતાં તે બોલને ઉંચે પિચ કરી રહ્યો હતો.