Surat,તા.07
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લેશે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ત્યારે સુરત પોલીસની નિર્દયતાભરી કરતૂતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં PM મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ સાયકલ લઇને રોડ પરથી પસાર થવા લાગે છે, ત્યારે એક પોલીસકર્મી દ્વારા બાળકને વાળ ખેંચી માર મારવામાં આવે છે. આ ઘટનાને લઇને લોકોમાં ભારે રોષની લાગણી અને નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે મુક્કો મારનાર પી.એસ.આઇ.ની બદલી કરી દેવામાં આવી છે.
આ ઘટનાને લઇને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડી.જી.પી. અને ગૃહમંત્રીને ઇમેલ કરી જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે તારીખ 7 માર્ચ 2025 ના રોજ ભારત દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, ત્યારે તેના પ્રોટોકોલ મુજબ સુરત પોલીસ રીહર્સલ કરી રહી હતી. આ દરમિયાન કોઈ એક બાળક સાયકલ લઈને તે રોડ પર ભૂલમાં પસાર થઈ થયો હતો. તે દરમિયાન હાજર પોલીસ દ્વારા બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે કાયદાનું ઉલંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (7 માર્ચે) શુક્રવારે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સેલવાસા જવા રવાના થશે. જ્યાં મોદી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટીયા હેલીપેડ પર પહોંચશે. જ્યારે સાંજે 4:30 વાગ્યે પર્વત પાટીયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શૉ કર્યા બાદ 5 વાગ્યે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.
સુરતમાં આજે વડાપ્રધાન મોદી મુલાકાતે છે, ત્યારે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેના બદલામાં લોકો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે. જેમાં નીલગીરી સર્કલથી ઉધના રેલવે સ્ટેશન તરફ – નીલગીરી સર્કલ – અંડરગ્રાઉન્ડ – રનતચોકથી ઉધના રેલવે ઓવરબ્રિજ – ઉધના રોડ નં.0 – મીરર હોટલ – ઉધના રોડ નં.3 – જીઈબી ઓફિસ પાસેના ચાર રસ્તા સુધીનો રોડ એક માર્ગીય રહેશે. જ્યારે ઉધના રોડ નં.0 પરનો ગોલાઘંટી ગરનાળાનો બંને તરફનો રસ્તો બંધ રહેશે. તેમજ મિડાસ સ્કવેર ચાર રસ્તાથી સાંસ્કૃતિક એસી માર્કેટ ત્રણ રસ્તા તરફનો રોડ બંધ રહેશે.