Rajkot ,તા.3
મહામાસ એ મિલકતોની ખરીદી તેમજ માંગલીક પ્રસંગો માટે શુભ ગણાય છે.ગત મહામાસ (ફેબ્રુઆરી) દરમ્યાન રાજકોટ શહેર જીલ્લામાં 12191 મિલકતોનું વેંચાણ થતા તેના દસ્તાવેજોનુ રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં તે પેટે રાજય સરકારને રૂ.755, 767.454 ની આવક થવા પામી છે.
જેમાં સૌથી વધુ મિલકતોનું વેંચાણ શહેરનાં મોરબી રોડ વિસ્તારમાં થવા પામેલ છે. મિલકતોના ખરીદ વેચાણમાં મોરબી રોડે છેલ્લા લાંબા સમયથી એવરગ્રીન રહેવા પામેલ છે.ફેબ્રુઆરી 2025 માસ દરમ્યાન મોરબી રોડ વિસ્તારમાં 1419 મિલકતોનું વેંચાણ થતાં તેના દસ્તાવેજોનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતાં તેની યુઝડ ડયુટી અને તે પેટે સરકારને રૂા.759, 07,679 ની આવક થવા પામી છે.
જયારે રાજકોટ 3 વિસ્તારમાં 1007 રૈયારોડ વિસ્તારમાં 1060, મૌવા વિસ્તારમાં 650,ગોંડલ તાલુકામાં 1062, પડધરી વિસ્તારમાં 199, જામકંડોરણામાં 99, ઉપલેટા વિસ્તારમાં 422, રાજકોટના મવડી વિસ્તારમાં 1310, જસદણ વિસ્તારમાં 450, લોધીકા વિસ્તારમાં 699, રાજકોટ રૂરલમાં 617, ધોરાજી વિસ્તારમાં 342, કોટડાસાંગાણીમાં 463, તેમજ રાજકોટના કોઠારીયામાં 844, વિંછીયા વિસ્તારમાં 46, રાજકોટ-1 માં 800 અને જેતપુરમાં 662 મીલકતો મળી રાજકોટ શહેર જીલ્લામાં 12191 મિલકતોનું વેંચાણ થતાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થતાં રાજય સરકારને આ દસ્તાવેજોની ફી અને યુઝડયુટી પેટે સરકારને કુલ રૂ.755,76,7454 ની આવક થવા પામી છે.
અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર જીલ્લામાં જાન્યુઆરી 2025 દરમ્યાન 13782 મીલકતોનું વેંચાણ થતાં તેના દસ્તાવેજની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થવા પામી હતી. આ જાન્યુઆરી માસની સાપેક્ષમાં ફેબ્રુઆરી માસમાં દસ્તાવેજ નોંધણીમાં 1389 નો ઘટાડો નોંધાવા પામેલ છે.
ગત ફેબ્રુઆરી માસ દરમ્યાન મિલકતોનું વેંચાણમાં શહેરનાં મોરબી રોડ વિસ્તાર અગ્રસ્થાને રહ્યો છે.આ મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1419 મિલકતોનું વેંચાણ થવા પામેલ છે.