Jamnagar, તા. 28
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 1 અને 2 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તા. 1ના શનિવારે જામનગરમાં રિલાયન્સના વનતારા ફોરેસ્ટની મુલાકાત અને તા. રના રોજ સાસણ તથા સોમનાથની મુલાકાત સાથે મીટીંગમાં હાજરી આપવાના છે.
કાલે સાંજે પ્રધાનમંત્રી જામનગર આવી પહોંચશે બાદમાં રાજવી શત્રુશલ્યસિંહજીનો જન્મદિન હોય તેમને શુભેચ્છા પાઠવવા જાય તેવી શકયતા છે. જોકે સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયા નથી.
વડાપ્રધાનના સ્વાગત માટે શહેરમાં ઠેર ઠેર બોર્ડ અને બેનર મુકવામાં આવ્યા છે. નરેન્દ્રભાઇ એક અઠવાડિયામાં બે વખત ગુજરાત આવવાના છે. તા. 5, 6ના રોજ તેઓ નવસારીની મુલાકાત લેવાના છે.
હાલ નકકી થયેલા કાર્યક્રમ મુજબ તા.1ના રોજ વડાપ્રધાન જામનગર આવીને રાત્રી રોકાણ કરશે. તા. 2ના સવારે રિલાયન્સ કંપનીના વનતારા ફોરેસ્ટની મુલાકાતે જવાના છે. તે બાદ તા. 2ના રોજ જુનાગઢ જઇને સાસણ ખાતે વાઇલ્ડ લાઇફ બોર્ડની મીટીંગમાં હાજરી આપશે. તેઓ આ બોર્ડના ચેરમેન પણ છે. આ બાદ તેઓ સોમનાથના દર્શને જશે અને સોમનાથ ટ્રસ્ટની મીટીંગમાં પણ હાજરી આપશે.
જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનો સંદેશો પ્રાપ્ત થયો છે. તેઓનું કદાચ 1લી તારીખે રાત્રિના જામનગરના સર્કિટ હાઉસમાં રોકાણ થનાર છે ત્યારે તંત્ર તૈયારીમાં જોડાયું છે અને 750થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાતમાં મુકવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના મહેમાન બને અને રિલાયન્સમાં વનતારાની મુલાકાત લેશે, તેમ જાણવા મળી રહ્યું છે. જામનગર જિલ્લાની મુલાકાત દરમિયાન 1લી તારીખે વડાપ્રધાન હવાઈ માર્ગે સીધા જામનગરના એરપોર્ટ ના હવાઈ મથકે આવી પહોંચે અને ત્યારબાદ તેઓ જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવનાઓ છે.
જો કે હજુ સુધી સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત સત્તાવાર રીતે થઈ નથી, પરંતુ સંભવિત જાહેરાતને લઈને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે. જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની રાહબર હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જામનગરના એરપોર્ટ થી છેક લાલ બંગલા-સર્કિટ હાઉસ સુધી કોરીડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેઓ મોટર માર્ગે એરપોર્ટ થી જામનગરના લાલ બંગલા સુધી આવી પહોંચે તે માટેની તંત્ર તૈયારી કરી રહ્યું છે.
વડાપ્રધાનના રૂટને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ ઉપર બેરીકેટિંગ વગેરે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં 750 થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો સહિતના પોલીસ કાફલાની બંદોબસ્તની સ્કીમ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર કચેરીનું સમગ્ર તંત્ર કામે લાગ્યું છે તેમજ જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ તૈયારીમાં જોડાઈ છે.