Washington,તા.7
અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન પછી સતત શક્તિશાળી બની રહેલા અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કની સતા પર અંતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિયંત્રણ મુકી દીધા છે અને હવે તે કોઈપણ સરકારી વિભાગોમાં પ્રમુખની મંજુરી વગર છટણી કરી શકશે નહી તેમજ સરકારી સ્ટાફ અંગેના કોઈપણ નિર્ણય પોતાની રીતે લઈ શકશે નહી.
અમેરિકી વહીવટીતંત્રમાં સુધારા અને ખર્ચમાં જંગી કાપ મુકવા એલન મસ્કના વડપણ હેઠળના વિભાગે એક પછી એક સરકારી કચેરીઓમાં મોટાપાયે છટણીઓ શરુ કરી દીધી હતી અને તેના અમેરિકામાં ઘેરા પડઘા પડયા છે તથા અનેક રાજયોમાં ટ્રમ્પ શાસન સામે દેખાવો પણ શરુ થઈ ગયા છે.
હાલમાં જ ટ્રમ્પે દેશની સંસદને કરેલા સંબોધનમાં એલન મસ્કની કામગીરીની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ જે રીતે હજારો અમેરિકી કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે તે અંગે દેશમાં અસંતોષ સર્જાયો તેની નોંધ લીધી છે.
તેથી જ હવે પછી કોઈપણ પ્રકારની છટણીમાં કેબીનેટ સેક્રેટરીને તમામ સતાઓ હશે. ટ્રમ્પે કહ્યું કે, આપણી પાસે એવા માણસો છે કે જે અત્યંત મહત્વના છે અને તેમને સરકારી સેવામાં ચાલુ રાખવા જરૂરી છે.
અમે તમામ સરકારી વિભાગોના વડાઓને વધારાના કર્મચારીઓને છુટા કરવા અને તેમની કામગીરી વધુ કાર્યદક્ષ બનાવવા જણાવ્યું છે. જો તેમ નહી થાય તો અમે તેના પર નિર્ણય લેશું અને એલન મસ્કે પણ આ નિર્ણયને માન્ય રાખ્યો છે.