Surat તા.03
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી 7 માર્ચના રોજ સુરત ખાતેની જાહેર સભામાં આવશે અને ગોડાદરા ખાતે રોડ શો થાય તેવું આયોજન થઈ રહ્યું છે. જોકે, સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયાં છે અને લોકો ટીખળ કરી રહ્યાં છે કે સુરતના પાણી વગરના રાજકારણીઓ-નેતાઓના કારણે સુરતીઓ મેટ્રોની ટ્રાફિક સમસ્યાથી છુટકારો અપાવી શકતા નથી. પરંતુ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ગોડાદરાના બદલે મેટ્રોની કામગીરી ચાલે છે તે રૂટ રાખવામાં આવે તો એક જ દિવસમાં સુરતીઓને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળી શકે તેમ છે. આ ઉપરાંત એક દિવસ માટે જાહેર સભા લખેલા વાહનોને ભાટિયા ટોલ ટેક્સમાંથી મુક્તિ નિર્ણય સામે પણ સુરતીઓ રોષ વરસાવી રહ્યા છે.
સુરતમાં આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર કાર્યક્રમની જાહેરાત સાથે ભારે ચહલપહલ જોવા મળી રહી છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં મેદની ભેગા કરવા માટે તંત્ર અને રાજકારણીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને વધુને વધુ લોકો ભેગા થાય તે માટે રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી બસ મંગાવવામા આવી છે. આ ઉપરાંત ખાનગી વાહનો માટે પણ સુચના આપી દેવામાં આવી છે. આ બધા વાહનો સુરતના ભાટિયા ટોલ ટેક્સ પરથી આવવાના હોય ભાટિયા ટોલ ટેક્સ પર મસ મોટો ટોલ ટેક્સ ભરવો ન પડે તે માટે જાહેર સભા લખેલા વાહનો પર ટોલ ટેક્સની મુક્તિની જાહેરાત કરી દેવામાં આવી છે. આ નિર્ણય સામે સુરતીઓ ભારે રોષ પ્રગટ કરી રહ્યાં છે આ ભાટિયા અને કામરેજ ટોલ નાકુ સુરત વિસ્તારમાં છે અને પહેલાં સુરતના વાહનોને ટોલામાંથી મુક્તિ હતી. પરંતુ છેલ્લા કેટલાક વખતથી બહારના વાહનોની જેમ સુરતીઓને પણ મસ મોટો ટોલ ટેક્સ ચૂકવવો પડી રહ્યો છે. આ ટોલ ટેક્સ પર મુક્તિ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય નેતાઓએ પણ વિરોધ કર્યો હતો પરંતુ તે માત્ર દેખાડોનો વિરોધ હતો તેથી સુરતની નબળી નેતાગીરીના કારણે સુરતીઓ વર્ષે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ભરી રહ્યા છે પરંતુ એક દિવસની વડા પ્રધાનની સભામાં ટોલામાંથી મુક્તિ જાહેર કરવામાં આવી છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે.
આવી જ રીતે સુરતમાં હાલ સૌથી સળગતી સમસ્યા મેટ્રોના કારણે થતી ટ્રાફિકની સમસ્યા છે. સુરતના પાણી વિનાના રાજકારણીઓને મેટ્રોના અધિકારીઓ ગાંઠતા નથી. મેટ્રો વડા પ્રધાનનો પ્રોજેક્ટ છે તેવી બીક બતાવી રાજકારણીઓ ફરિયાદ કરે તો પણ સાંભળવામાં આવતી નથી. અનેક જગ્યાએ કામ ન ચાલતું હોય તેમ છતાં બેરીકેટ કરી દેવામાં આવે છે જ્યારે અનેક જગ્યાએ અગાઉથી જાણ કર્યા વિના તાત્કાલિક રસ્તા બંધ કરી દેવામાં આવે છે. આવી સમસ્યાથી સુરતીઓ એટલા ત્રાહિમામ છે કે એવો બળાપો કાઢે છે કે આમ તો સુરતના રાજકારણીઓ પાણી વિનાના છે તેથી મેટ્રોની ટ્રાફિક સમસ્યાનો હલ કરી શકતા નથી. જો સુરતીઓને ટ્રાફિક સમસ્યાથી એક જ દિવસમાં છુટકારો અપાવવા હોય તો વડા પ્રધાનના રોડ શોનો રૂટ મેટ્રો રૂટ પર જાહેર કરી દેવામા આવે તો આ તમામ સમસ્યાનો એક જ દિવસમાં હલ આવી જશે.