Prabhaspatan માં કાષ્ટઝરૃખા, કાષ્ટકોતરણીવાળા કળાસભર સો વર્ષ જૂનાં મકાનોનું અનેરું મહત્વ

Share:

Prabhaspatan,તા.03 

 પ્રભાસપાટણ ફકત સોમનાથ મહાદેવ શિવાલયના કારણે જ પ્રખ્યાતિ ધરાવતું નથી. અહીના મકાનોમાં કાષ્ટકલા ખૂબજ બારીક છે જેને નિહાળવા ફાઈનઆર્ટસના અમદાવાદ વડોદરાના વિદ્યાર્થીઓ આવે છે .તેઓ રોકાઈને એ કાષ્ટકલાના ચિત્રો દોરે છે. ખાસ કરીને અહીના રવેશ અને ઝરૃખા સો સો વર્ષના છે. એમની બારીક કારીગીરી આજે પણ અકબંધ છે.

સોમનાથમાં રામરાખ ચોકથી જૈન દેરાસરે જતા રસ્તા પર કલાત્મક સાગ સીસમના લાકડા પર કંડારાયેલા કાષ્ટ શિલ્પ કારીગીરીના ઝરૃખાઓ અહી આવતા તીર્થ યાત્રીઓને આકર્ષે છે. આ ઝરૃખાઓમાં શિલ્પ સ્થાપત્યની જેમ કાષ્ટ પર પ્રાચીન કારીગરો દ્વારા પરંપરાગત નકશીકામ કરાયું છે. એ એટલું બારીક છે કે એક -એક રેખા આજે પણ ઉપસી રહી છે. આ કોતરકામ બન્યુું ત્યારથી આજે પણ એવું ને એવું જ છે. લાકડામાં બન્યું હોવા છતાં એને ઉધઈ  લાગી નથી. કે જીવાત પડી ગઈ નથી સડો પડયો નથી ! અહી કેટલાક મકાનો સો સો વર્ષના છે. એમાં આ કાષ્ટકલા નીખરી રહી છે. આજે કોતરકામ માટે કોમ્પ્યુટરની મદદ લેવાય છે  ,અને મશીનો વપરાય છે. ત્યારે એ જમાનામાં કારીગરોએ ખૂબજ ઝીણું ઊંડું અને સ્વચ્છ રેખાની ગરીમા સાથે કોતરકામ કંડાર્યું છે. અહીના  સાગના ઝરૃખાઓની વિશેષતા એ છે કે એને સાગના જ  લાકડાના ટેકા મળ્યા છે. જેની મજબૂતી આજે એવી ને એવી જ છે. કારીગરોએ મકાનના પ્રારંભથી છેક અંદરના ભાગ સુધી અને ભોયતળિયેથી ઉપરના માળ સુધીના વિવિધ ભાગોને સમપ્રમાણ સુરેખ રચના કરીને પ્રત્યેક ભાગનો ઉપયોગિતા સાથે કળાનો સમન્વય સાધ્યો છે.

પ્રભાસના જલારામમંદિર પાસે દોઢસો વર્ષ જૂનું મકાન આવ્યું છે. જેમાં પ્રાચીન શિલ્પ કાષ્ટકૃતિઓ છે. જેને હમણા જ રંગરોગાન કર્યું છે. દરિયાકાંઠે હોવા છતાં એનુુ લાકડું એમને એમ જ છે. ! એના લાકડાના પગથિયા પણ ખૂબજ સારી સ્થિતિમાં છે. આવા મકાનો કોઠાશેરી, મહેશભૂવન ,પાટચકલાં વિસ્તારમાં જોવા મળે છે. અહીના મકાનોમાં દરવાજા બંધ કરવા માટે લાકડાના ધોકાના આગળિયા જોવા મળે છે. પ્રભાસપાટણમાં વર્ષમાં બે ત્રણ વાર અમદાવાદ અને વડોદરાના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ ઝરૃખાઓને કલાની દ્રષ્ટિએ નિહાળવા આવે છે. એ ઝરૃખાઓની સામે ચાર પાંચ કલાક બેસીને ઝરૃખાઓની કલાને કેનવાસમાં ઉતારે છે. કાષ્ટકલાના જાણકાર ધીરૃભાઈ નાંદોડિયા કહે છે કે એ સમયના કારીગરોની એવી સૂઝ હતી કે ઝરૃખો કે રવેશ વજનથી ઝુકી ન જાય એ માટે લાકડાના ઘોડા ખીલાઓ જડી દેવાયા હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *