Gujarat,તા.05
કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા તેની સાથે જ અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અધિકારીઓની કામગીરી અને તેમની વફાદારીની ચર્ચા ચાલી છે. રાજકીય સૂત્રોમાં ગણગણાટ છે કે, ભાજપમાં ઘણા સમયથી નેતાઓ, કાર્યકર્તાઓ ભુલાયા છે અને અધિકારીઓ ગુડબુકમાં આવતા જાય છે. કૈલાશનાથનને પણ તેમની અંગત વફાદારી વધારે કામ આવી ગઈ. તેમને એકાએક પુડ્ડુચેરીના ગવર્નર જેવી મલાઈદાર પોસ્ટ આપી દેવામાં આવી.
બીજી તરફ પાર્ટી માટે આખું જીવન આપી દેનારા, સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓને હજી પાર્ટી કાર્યાલય અને સચિવાલયના પગથિયે જ આંટાફેરા કરવા પડે છે. પક્ષના ઘણા જુના જોગીઓ અને સિનિયર નેતાઓ તથા કાર્યકર્તાઓને સમર્પણ ફળ્યું નથી. અહીંયા ગમતું વાજું વગાડનારા અને કહ્યા જેટલું જ અને જેવું કામ કરનારાને જ તક મળે છે. સફળ થવું હોય તો અંગત વફાદારી સાબિત કરો.
જ્યંતિ રવિને તાત્કાલિક પુડ્ડુચેરીથી ખસેડી મહેસૂલ વિભાગ અપાયો
ગુજરાત સરકારે હમણાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી તેમાં ડો. જ્યંતિ રવિને મહેસૂલ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયાં છે. 1991ની બેચનાં આઈએએસ અધિકારી ડો. જ્યંતિ રવિ ડેપ્યુટેશન પર હતાં અને છેલ્લા ચાર વર્ષથી પુડ્ડુચેરીમાં ઓરોવિલે ફાઉન્ડેશનમાં સેક્રેટરી હતાં. હવે અચાનક તેમને ગુજરાત પાછાં બોલાવી લેવાયાં છે. યોગાનુયોગ કે. કૈલાશનાથન પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા ત્યારે જ જ્યંતિ રવિને પુડ્ડુચેરીથી ગુજરાતમાં પરત લેવાયા છે. ભૂતકાળમાં આ બંને અધિકારીઓ વચ્ચે અણબનાવની ચર્ચા હતી પણ દેખીતી રીતે હાલમાં કશું જ જણાતું નથી. સરકાર દ્વારા અધિકારીઓના ખાતામાં જે આમૂલ પરિવર્તન કરાયું જેના જ ભાગરૂપે જ્યંતિ રવિને ગુજરાત પરત બોલાયાની શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યના ગૃહ વિભાગમાં રેગ્યુલર પોસ્ટિંગ જ થતું નથી
ગુજરાતના ગૃહ વિભાગને રેગ્યુલર એડિશનલ ચીફ સેક્રેટરી મળતા નથી. છેલ્લા ઘણાં સમયથી આ વિભાગ વધારાના ચાર્જમાં ચાલી રહ્યો છે.મુકેશ પુરી વયનિવૃત્ત થયા પછી આ વિભાગનો હવાલો મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને સોંપવામાં આવ્યો હતો પરંતુ લોકસભાની ચૂંટણી સમયે ચૂંટણી પંચની સૂચનાથી સરકારે આ વિભાગનો વધારાનો હવાલો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના વડા એકે રાકેશને સોંપ્યો હતો. હવે એકે રાકેશ વયનિવૃત્ત થતાં ફરી પાછો આ વિભાગનો વધારાનો હવાલો મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસને સોંપવામાં આવ્યો છે. સચિવાલયમાં ચર્ચા છે કે, એવું ક્યું કારણ છે કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાના આ વિભાગમાં રેગ્યુલર પોસ્ટિંગ આપી શકતી નથી.
વર્તમાન સરકારમાં કોંગ્રેસના મંત્રીઓનો પાવર
ભાજપની સરકારમાં મૂળ ભાજપના નહીં પણ કોંગ્રેસ કુળના મંત્રીઓનો પાવર વધી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ કુળના એક મંત્રીએ તેમના વિભાગમાં જીદ કરીને અધિકારીની બદલી કરાવી હોવાની ચર્ચા સચિવાલયના વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ચર્ચામાં સરકારના એક સિનિયર મંત્રીએ પોતાનો મત પ્રગટ કરતાં કહ્યું હતું કે ‘અમારી પાર્ટીમાં એવું કહેવાય છે કે પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય બનો, પછી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ જાવ, પેટાચૂંટણીમાં જીતીને મંત્રી બની જશો. આ સરકારમાં અમે રજૂઆત કરીએ તો ઘ્યાને લેવાતી નથી પરંતુ કોંગ્રેસ કુળના કોઇ મંત્રીને સામેથી પૂછવામાં આવે છે.’