પહેલી ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો
New Delhi, તા.૪
પૂર્વ ટ્રેઈની IAS પૂજા ખેડકરને લઈને રોજ-રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂજા પોલીસને ચકમો આપીને દુબઈ ભાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પહેલી ઓગસ્ટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેના પગલે તેના પર ધરપકડની તલવાર લટકતી હતી.
પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્હી પોલીસમાં કેસ નોંધાયા બાદ પૂજા ખેડકર ગુમ છે. ખેડકર પુણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદનો જવાબ આપવા આવી ન હતી કારણ કે તેને ધરપકડ થવાનો ડર હતો. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ખબર પડી કે પૂજા દિલ્હીમાં છે, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ દિલ્હી પોલીસનું માનવું છે કે પૂજા દુબઈ ભાગી ગઈ હશે. હાલ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ખેડકરનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. નોંધનીય છેકે પૂજા ખેડકરની પોલીસ તપાસમાં તમામ રહસ્યો ખુલી ગયા છે. પૂજાએ દૃષ્ટિબાધિત, માનસિક વિકલાંગ અને ઓબીસી જેવા વિવિધ ક્વોટાના આધારે પરીક્ષા આપી હતી. કોર્ટે આદેશમાં કહ્યું છે કે ’કાયદામાં રહેલી છટકબારીઓનો લાભ લેવામાં આવ્યો છે.’ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આયોગે પૂજા ખેડકરનું IAS પદ છીનવીને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આયોગે ખુદ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસ પરીક્ષા-૨૦૨૨ (CSE-2022) માટે ટ્રેઈની ઉમેદવાર પૂજા મનોરમા દીલિપ ખેડકરની ઉમેદવારી રદ કરી દીધી છે. આ સાથે જ તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.