New Delhi,તા.18
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં અટવાયેલા ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે સાંજે ધરતી પર પરત ફરવાના છે. વિલિયમ્સ, વિલમોર અવકાશ સ્ટેશન (ISS) પર લાંબા સમય સુધી રહ્યા બાદ પરત ફરી રહ્યા છે. સુનિતા વિલિયમ્સ અને ટીમ પરત ફરવાનું સાંભળતા જ વિશ્વભરના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સના નામે પહેલી માર્ચે ભાવુક પત્ર લખી દેશના 1.4 અબજ લોકોની ભાવનાઓને વ્યક્ત કરી છે.
વાસ્તવમાં ભારતના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ.જીતેન્દ્ર સિંઘના ટ્વિટર હેન્ડલ પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે. વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ‘ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો. તમે ભારતની આન, બાન અને શાન છો. તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.’ પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે. આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરિક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરિક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે.
નવા ક્રૂ નાસાના અંતરિક્ષયાત્રી નિક હેગ, સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર અને ડોન પેટિટને પૃથ્વી પર પરત મોકલશે. તેઓ 19 માર્ચ પહેલા પૃથ્વી પર પરત ફરે તેવી શક્યતાઓ NASAએ રજૂ કરી છે. તેમના સ્થાને ISSમાં નવા ચાર અંતરિક્ષયાત્રી કામગીરી સંભાળશે. આ ચાર અંતરિક્ષયાત્રીમાં એની મેકક્લેન, નિકોલ આયર્સ, તાકુયા ઓનિશી, અને કિરીલ પેસકોવ સામેલ છે.