London,તા.12
પ્લાસ્ટિકનું પ્રદુષણ હવે માત્ર સમુદ્ર કે જળસ્ત્રોત સુધી સીમીત નથી, બલકે તે ખેતરોમાં પાક ઉત્પાદનને પણ અસર કરી રહ્યું છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, માઈક્રો પ્લાસ્ટિક છોડમાં થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે.
એથી દુનિયાભરમાં ખાદ્ય સુરક્ષા પર ખતરો છે. એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, 2040 સુધીમાં આથી 40 લાખની વસ્તીને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે.
પ્રોસિડિંગ ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત સંશોધનને 157 અભ્યાસમાં મળેલા 3000થી વધુ આંકડાનું વિશ્લેષણ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે. અધ્યયન અનુસાર ખેતરમાં ઘઉં, ચોખા અને મકાઈની ઉપજ ચાર ટકાથી 14 ટકા સુધી ઘટી ગઈ છે અને આગામી 20 વર્ષમાં 40 કરોડ લોકો ભૂખમરાનો શિકાર બની શકે છે. જમીનની સાથે સાથે આ માઈક્રો પ્લાસ્ટિક સમુદ્રી જીવનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે.
પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો પાંદડા સુધી પહોંચનારી સૂર્યના કિરણના માર્ગમાં બાધક બને છે. આથી માટીને નુકસાન થઈ શકે છે, જેના પર છોડ આશ્રિત હોય છે. જો આ પ્લાસ્ટિક કોઈ માર્ગેથી અંદર ચાલ્યા જાય છે તો પોષક તત્વની સાથે પાણીના પ્રવાહમાં રોડા અટકાવે છે.