Annapolis,તા.15
બ્રાઝિલના એનાપોલિસ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક મહિલાનો મોબાઈલને અચાનક ફાટ્યો હતો ત્યારે મહિલાએ મોબાઈલને તેની જીન્સના પાછળનાં ખિસ્સામાં રાખ્યો હતો.
વિસ્ફોટની સાથે જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને જોત જોતામાં તેનું પેન્ટ્સ સળગવા લાગ્યું હતું. આ જોઈને સુપરમાર્કેટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયાં અને આખા સુપરમાર્કેટમાં અફડાતફડી થઈ હતી.
સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ રહ્યાં છે તે બતાવે છે કે સ્ત્રી તેનાં જીવનસાથી સાથે સુપરમાર્કેટમાં ખરીદી કરતી હતી. મોબાઇલને તેની જીન્સના પાછલાં ડાબા ખિસ્સામાં રાખવામાં આવ્યો હતો. અચાનક ફોન ફૂટ્યો અને આગ ફાટી નીકળી હતી.
જ્વાળાઓ એટલી જોરદાર હતી કે સ્ત્રી પીડાથી ચીસો પાડવા લાગી હતી અને પોતાનો જીવ બચાવવા દોડવાનું શરૂ કર્યું હતું. તેનો જીવનસાથી તરત જ પાછળથી દોડી આવ્યો અને તેને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું પેન્ટ સળગી ગયું હતું.
અહેવાલો અનુસાર, વિસ્ફોટક મોબાઇલ એક પ્રખ્યાત કંપની મોટોરોલાનો હતો. વિસ્ફોટથી સ્ત્રીની પીઠ, હાથ અને કમર દાઝી હતી. તેને તુરંત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.