Srinagar,તા.૨૦
જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તારિક હમીદ કર્રાએ કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)એ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો છે. તારિકે કહ્યું કે ’મારી જાણકારી મુજબ નેશનલ કોન્ફરન્સે ગઠબંધન માટે પહેલ કરીને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનો સંપર્ક કર્યો છે.’
ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તરીકે તારિક હમીદ કર્રાની નિમણૂંક કરવામાં આવી હતી. તેમને પ્રશ્નના પૂછવામાં આવ્યો હતો કે શું પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ગંઠબંધન માટે કોંગ્રેસનો સંપર્ક કર્યો છે કે કેમ તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોઇક સ્તર પર વાતચીત થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો પ્રાદેશિક પક્ષ વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનનો ભાગ હોય, ઈન્ડિયા ગઠબંધનના ઉદ્દેશ્યોને ચાલું રાખે, જે માટે ઈન્ડિયા ગઠબંધનની રચના થઈ હતી તો અમે ચોક્કસ સફળ થઈશું. જોકે તારિક હમીદે એમ પણ કહ્યું કે જમ્મુ-કાશ્મીર પ્રદેશ સમિતિના નેતાઓ સાથે આંતરિક ચર્ચા-વિચારણા કરવામાં આવશે, ત્યાર પછી ગઠબંધન કરવાની વાતચીત આગળ વધશે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ તમામ સમાન વિચારધારાવાળી પાર્ટીઓની સાથે ગઠબંધન કરવા તૈયાર છે. પછી જમ્મુ હોય કે કાશ્મીર હોય, એક માત્ર માપદંડ છે કે એ પક્ષોની વિચારધારા એક સમાન હોવી જોઈએ.
કેન્દ્રીય નેતૃત્વે સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓની સાથે ગઠબંધનની શક્યતા પર ચર્ચા કરવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે. અહીંયા નોંધવું રહ્યું કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ૯૦ સીટો માટે ત્રણ તબક્કામાં – ૧૮મી સપ્ટેમ્બર, ૨૫મી સપ્ટેમ્બર અને ૧લી ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ચોથી ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાસ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. રાજ્ય વિધાનસભાની ૯૦ બેઠખ માટે ૧૮ સપ્ટેમ્બર, ૨૫ સપ્ટેમ્બર અને ૧ ઓક્ટોબરના રોજ મતદાન થશે. ભાજપ આ ચૂંટણીમાં એકલા હાથે લડશે જેની નજર અપક્ષ ઉમેદવારો પર રહેશે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની સાથે જ ભાજપે બીજા પક્ષોના નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાનું અભિયાન શરુ કરી દીધું છે. કેમ કે પીડીપી નેતા અને ભૂતપૂર્વ મંત્રી ઝુલ્ફકાર અલી ભાજપમાં જોડાઈ ગયા છે. ઝુલ્ફકાર અલીએ ૧૭મી ઓગષ્ટે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે જ એવી અટકળો વહેતી થઈ હતી કે એ મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. હવે જોવાનું એ રહ્યું કે પીડીપી નેતા ભાજપમાં જોડાયા તેનો ફાયદો કેટલો મળે છે.