Patan, તા.18
ધારપુર મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ MBBS ના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થી સુરેન્દ્રનગરના જેસડા ગામનો હોવાનું જણવા મળ્યું છે. પાટણના સીમાડે આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના શંકાસ્પદ મોતને કારણે હડકંપ મચી ગયો હતો.
મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. જોકે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થતા હડકંપ મચી ગયો હતો.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મૃત્યુ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રેગિંગ કરનારા 15 વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ વિદ્યાર્થીઓ સામે FIR નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
સિનિયરોએ શનિવારે રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને ડાન્સ કરવા, ટી-શર્ટ વગેરે કાઢીને નાચવા માટે, દસ-દસ ગાળો બોલવા જેવી હરકતો કરવા દબાણ કર્યુ હતુ. મૃતક વિદ્યાર્થી એ સમયે ખૂબ ડરી ગયો હતો અને રાતે 8 વાગ્યાથી રાતના 11.30 વાગ્યા સુધી મૃતક વિદ્યાર્થી અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓને ઊભા જ રાખ્યા હતા.
મૃતક વિદ્યાર્થી ઊભો હતો અને અચાનક પીઠ બાજુએ પડી ગયો. ત્યારે એનું માથું દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના સિનિયરો સીધા તેમના રૂમમાં ઘૂસી ગયા અને બારણા બંધ કરી દીધા. જૂનિયરોએ તેમને બોલાવ્યા પણ બહાર આવ્યા જ નહીં, એ સમયે એક ઈન્ટર્ન ડોક્ટર જ હાજર હતો. એ સમયે મૃતક વિદ્યાર્થીને તાત્કાલિક કોઈ સારવાર મળી નહોતી.
પુત્રના મોતને લઈ પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો તેમજ પરિવારજનોએ રેગિંગ થયાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે રેગિંગ કમિટીના પ્રાથમિક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં રેગિંગ કરનારા 15 વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ વિદ્યાર્થીઓ સામે FIR નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.