Paris,તા.31
ભારતીય શૂટર અવની લેખારા અને મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. અવનીએ શુક્રવારે (30 ઓગસ્ટ) મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે મોના અગ્રવાલે પણ આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે ભારતનું પેરિસ પેરાલિમ્પિક્સમાં ખાતું ખુલી ગયું છે. ભારત પાસે એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ છે. અવનીએ ફાઇનલમાં 249.7 પોઇન્ટ મેળવીને પેરાલિમ્પિકસમાં રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા.
37 વર્ષની પેરા શૂટર મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં ત્રણ મેડલની ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહેલી મોના હવે મિક્સડ 50 મીટર રાઇફલ પ્રોન R6 ઇવેન્ટ અને મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન R8 ઇવેન્ટમાં ભાગ લેશે.
કોણ છે મોના અગ્રવાલ?
રાજસ્થાનના સીકરમાં જન્મેલી મોનાનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. પોલિયોના કારણે તે નાનપણથી જ ચાલી શકતી ન હતી. તેને આગળ વધવા માટે સમાજના ટોણાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. મોના પોતાનો અભ્યાસ પૂરો કરી શકી ન હતી. પેરા-શૂટર બનવા માટે મોના જયપુર ગઈ હતી. શૂટર બનવા માટે તેની દાદીએ તેને પ્રેરણા આપી હતી.
શૂટિંગમાં SH1 કેટેગરીમાં એવા શૂટર્સનો સમાવેશ કરવામાં આવે છે કે, જેમના હાથ, નીચેના ધડ, પગની હિલચાલને અસર કરી હોય અથવા તેમના હાથ અથવા પગમાં વિકૃતિ હોય.