Jamnagar ગામની સીમ વિસ્તારમાં વાહન ચલાવવા જેવી બાબતની તકરાર બાદ યુવાનની હત્યા

Share:

Jamnagar,તા.10

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે સાંજે બે દિવસ પહેલાની જૂની અદાવતનું મનદુઃખ રાખીને એક પરપ્રાંતિય શ્રમિક યુવાન પર 8 થી 10 શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જયારે તેના એક મિત્ર પર હુમલો કરાયો હતો. આ બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનની ટુકડી દોડતી થઈ હતી, અને મૃતક ની પત્નીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે પૂર્વે યોજિત કાવતરું ઘડી હત્યા અંગેનો અપરાધ નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

આ હત્યાના બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ભંડારા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમ વિસ્તારમાં કરમશીભાઈ દામજીભાઈ અજુડીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનીષ ઉર્ફે મંશારામ ગિલદાર નરગાવે નામના ૩૩ વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ગઈકાલે બગધરા સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં આઠથી દસ જેટલા શખ્સોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી. જ્યારે તેની સાથે જ મજૂરી કામ કરતા પ્રદીપ નામના અન્ય એક શ્રમિક યુવાન પર હુમલો કરાયો હતો, જેથી તે ઇજાગ્રસ્ત બન્યો છે, અને સારવાર હેઠળ છે.

મૃતક યુવાનને બે દિવસ પહેલા વાહન ચલાવવા બાબતે બગધરા ગામના પરબત પુંજાભાઈ રબારી સાથે તકરાર થઈ હતી. મૃતક યુવાન પોતાનું બાઈક લઈને મિત્ર પ્રદીપ ને પાછળ બેસાડીને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી રીક્ષા છકડો લઈને આવી રહેલા પરબત રબારી સાથે સરખી રીતે વાહન ચલાવવા બાબત તકરાર થઈ હતી, અને જે તે સમયે બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેનું મન દુઃખ રાખીને ગઈકાલે મૃતક યુવાન પોતાની વાડીએ હતો, જે દરમિયાન આરોપીઓ પરબત પુંજાભાઈ રબારી, નારણ પુંજાભાઈ રબારી, રઘાભાઈ દેવાભાઈ રબારી અને બધાભાઈ બટુકભાઈ રબારી તેમજ અન્ય છ જેટલા શખ્સો કે જેઓ પૂર્વે યોજીત કાવતરૂં ઘડીને હત્યા કરવાના ઇરાદે જુદા જુદા વાહનોમાં ધોકા, પાવડા, કોદાળી, લાકડી સહિતના હથિયાર સાથે ધસી આવ્યા હતા, અને મનીષ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી, જ્યારે તેના મિત્ર પ્રદીપ ઉપર હુમલો કરતાં ઈજાગ્રસ્ત બન્યો હતો. અને સારવાર હેઠળ છે. આ સમયે મૃતકની પત્ની ભૂરીબેન આવી જતાં તેને પણ ધમકી અપાઇ હતી, અને તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *