આ કેસ પુડુચેરીના તિરુમલૈરયન પટ્ટીનમ ખાતે સ્થિત વીઝી વરદરાજા પેરુમલ મંદિર સાથે સંબંધિત છે
Puducherry, તા.૮
હિન્દુ મંદિરોના પરિસરમાં ફક્ત ભક્તિ ગીતો જ વગાડવા જોઈએ તેમ મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરોમાં અન્ય પ્રકારના ખાસ કરીને ફિલ્મી ગીતો વગાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોતાના આદેશમાં ન્યાયાધીશ ડી. ભરત ચક્રવર્તીની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, મંદિરની અંદર કોઈપણ ઉજવણી દરમિયાન પછી ભલે તે મંદિર વહીવટ દ્વારા આયોજિત હોય કે ભક્તો દ્વારા, ફક્ત ભક્તિ સંગીત જ વગાડવું જોઈએ. ન્યાયાધીશ ડી ભરત ચક્રવર્તીએ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મંદિર પરિસરમાં ફક્ત ભક્તિ સંગીત જ વગાડવામાં આવશે.આ કેસ પુડુચેરીના તિરુમલૈરયન પટ્ટીનમ ખાતે સ્થિત વીઝી વરદરાજા પેરુમલ મંદિર સાથે સંબંધિત છે. મંદિરના ભક્ત વેંકટેશ સૌરીરાજને કોર્ટમાં અરજી દાખલ કરીને ફરિયાદ કરી હતી કે, મંદિરના ઉત્સવો દરમિયાન આયોજિત ઓર્કેસ્ટ્રામાં ફિલ્મી ગીતો પણ વગાડવામાં આવે છે. તેમણે તેને અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે મંદિરની અંદર આવા ગીતો વગાડવાથી ધાર્મિક લાગણીઓ પ્રભાવિત થાય છે.અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મંદિરમાં લાંબા સમયથી કોઈ ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે વહીવટી કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. કોર્ટે આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને આ મામલે શક્ય તેટલી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે મંદિરોને લાંબા સમય સુધી ટ્રસ્ટીઓ વિના રાખી શકાતા નથી. તેથી સંબંધિત અધિકારીઓએ કાયદા અનુસાર શક્ય તેટલી વહેલી તકે ટ્રસ્ટીઓની નિમણૂક સુનિશ્ચિત કરવી જોઈએ.