Rajkot,તા.20
ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTE ( રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ આજે જાહેર કરવામાં આવેલી છે. 28 મી ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ।.1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ।.1.50 લાખ રાખવામાં આવેલી છે.
જેમાં અલગ અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામા આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025 માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024 માં કુલ 804 ખાનગી શાળાઓમા 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા.
ગત વર્ષ કરતા પ્રવેશ પાત્ર ખાનગી શાળાઓની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153 નો વધારો થયો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ 1 થી 8 સુધી ખાનગી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
રાજકોટ શહેરમાં RTE હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે તે માટે આ વર્ષે 2025 માં 592 ખાનગી શાળાઓમાં 4,453 સીટ છે એટલે કે આટલી બેઠક ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. જેની સામે ગત વર્ષ 2024 માં 589 ખાનગી શાળાઓમાં 3,713 ની ઇન્ટેક કેપેસિટી હતી. એટલે કે ગત વર્ષ કરતાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવી શકાય તેવી શાળાઓમાં 3 નો વધારો થયો છે જ્યારે ઇન્ટેક કેપેસિટી પણ 740 વધી છે.
જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં વર્ષ 2025 માં 329 ખાનગી શાળાઓમાં 2,187 સીટ છે. જેની સામે ગત વર્ષે 2024 માં 215 શાળાઓમાં 774 ઇન્ટેક કેપેસિટી હતી. એટ્લે કે અહીં પણ 11 તાલુકાની ખાનગી શાળાઓમાં 114 નો વધારો થયો છે જ્યારે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 1,413 નો વધારો નોંધાયો છે.
જ્યારે બન્ને થઇને એટલે કે રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025 માં 921 ખાનગી શાળાઓમાં 6,640 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં એડમિશન મેળવી શકશે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશમાં અગ્રતાક્રમ 1. અનાથ બાળક, 2. સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક, 3. બાલગૃહના બાળકો, 4. બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો, 5. મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-2016ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો, 6. (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો, 7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો, 8. જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, 9.રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોને અનુક્રમ અપાશે.