Jamnagar,તા.12
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને બાલંભા વિસ્તારમાં જ આવેલી ચોગલે સોલ્ટ કંપનીમાં મજૂરી કામ કરી રહેલા વિપુલભાઈ ગાંડુભાઈ ગણેશિયા (ઉં.વ.28) અને તેના મોટાભાઈ ખેંગારભાઈ ગાંડુભાઈ ગણેશિયા કે જેઓને ગઈકાલે રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં ચોગલે કંપનીના વોશિંગ પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન ગોઝારો અકસ્માત બન્યો હતો.
ઉપરોક્ત કામકાજ સમય દરમિયાન નાનાભાઈ વિપુલભાઈ ગણેશિયા કે જેનું કન્વેયર બેલ્ટમાં માથું ફસાઈને છૂંદાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, અને ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ વેળાએ તેને બચાવવા માટે દોડેલા મોટાભાઈ ખેંગારભાઈ ગણેશિયાને પણ હાથમાં ઇજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી જોડિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ બનાવ અંગે મૃતકના ત્રીજાભાઈ જગદીશ ગણેશીયાએ જોડીયા પોલીસને જાણ કરતાં જોડીયાના પીએસઆઇ કે.ડી.જાડેજા તેમજ સ્ટાફના રવિરાજસિંહ જાડેજા વગેરે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વિપુલ ગણેશિયાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે સમગ્ર બનાવ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.