૨૬ જુલાઈએ રાજ્યકક્ષાના વન મહોત્સવમાં Devbhoomi Dwarka માં ઉજવાશે

Share:

Gandhinagar,તા.૨૦

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર તાલુકાના ગાંધવી ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે. પર્યાવરણના જતનની નેમ સાથે ગુજરાતમાં ‘વન મહોત્સવના’ આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.

મુખ્યમંત્રીના હસ્તે તેમજ વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આગામી તા. ૨૬ જુલાઈ-૨૦૨૪ના રોજ રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે ૨૩માં સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ કરવામાં આવશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન ‘હરસિદ્ધિ વન’ ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧,૬૧૯ રોપાઓઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ ૩૩ જિલ્લા કક્ષાએ, ૮ મહાનગરપાલિકા કક્ષાએ, ૨૫૦ તાલુકા કક્ષાએ તેમજ ૫,૫૦૦ ગ્રામીણ કક્ષાએ ‘૭૫મો વન મહોત્સવ’ યોજાશે.

જયારે પર્યાવરણીય સમસ્યાઓથી ખાસ કોઈ જાગૃત ન હતું તે સમયે ગુજરાતના મહાન સપૂત-દીઘર્દ્રષ્ટા એવા સ્વ. કનૈયાલાલ મુનશીએ આજથી અંદાજે ૭૫ વર્ષ પહેલાં રાજ્યમાં પ્રથમવાર વન મહોત્સવની ઉજવણી શરૂ કરી  હતી. પર્યાવરણની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે ‘વન મહોત્સવ-વનોઃવૃક્ષોનો પર્વ’. તે સમયથી વન મહોત્સવની ઉજવણી કરવાની પ્રથા ગુજરાતમાં આજ પર્યત ચાલુ છે.

ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખી કરવામાં આવેલા વૃક્ષ વાવેતરોને સામાન્ય રીતે ‘સાંસ્કૃતિક વનો’ તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવના કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃ્‌ત્વમાં વર્ષ ૨૦૦૪માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ હતી. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતની તમામ સરકારોએ આ પરંપરાને ગુજરાતમાં યથાવત રાખી છે, જેના પરિણામે આજે ગુજરાતમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનો નિર્માણ પામ્યા છે. જેમાં પુનિત વન- ગાંધીનગર, માંગલ્ય વન-અંબાજી, તીર્થકર વન- તારંગા, હરિહર વન-સોમનાથ, ભક્તિ વન-ચોટીલા, શ્યામલ વન-શામળાજી, પાવક વન-પાલીતાણા, વિરાસત વન-પાવાગઢ, ગોવિંદ ગુરૂ સ્મૃતિ વન-માનગઢ, નાગેશ વન-દ્વારકા, શક્તિ વન- કાગવડ, જાનકી વન-વાસદા, મહીસાગર વન-આણંદ, આમ્ર વન- વલસાડ, એકતા વન-સુરત, શહીદ વન-જામનગર, વિરાંજલી વન-વિજયનગર, રક્ષક વન-ભૂજ, જડેશ્વર વન-અમદાવાદ, રામ વન-રાજકોટ, મારૂતિનંદન વન-વલસાડ, વટેશ્વર વન-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *