Jasdan,તા.11
જસદણના શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી અગ્રણીની તેના જ 80 વર્ષિય પિતા દ્વારા હત્યા નિપજાવવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરાને બીજા લગ્ન કરવા હતા પણ પરિવારના સભ્યો ના પાડતા હતા. તેનો ખાર રાખી તેમણે ફાયરીંગ કરી તેમના પતિની હત્યા નિપજાવી છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા જયાબેન પ્રતાપભાઈ બોરીચા (ઉ.વ. 50)એ ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેમના પતિ પ્રતાપભાઈ રામકુભાઈ બોરીચા તેમની બાજુના જ મકાનમાં રહેતા તેમના સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઈ આલેકભાઈ બોરીચા(ઉ.વ. 80)ને ગઇકાલે સવારે 10 વાગ્યાના અરસામાં ચા આપવા ગયા હતા. તેઓ ચા આપી તેમના ધરે પરત ફર્યા હતા. ત્યારે ફાયરીંગનો અવાજ થતાં અને તેમના પતિ પ્રતાપભાઇ કણસતા હોઇ તેઓ અવાજ આવતા તેઓ બન્ને મકાનોને જોડતા દરવાજા પાસે જતા દરવાજો બંધ હતો.તેવામાં બીજો ફાયરિંગનો અવાજ આવ્યો હતો. તેથી બન્ને મકાનો વચ્ચેનો દરવાજો ખખડાવતા તેમના સસરા રામકુભાઈએ દરવાજો ખોલ્યો અને પિસ્તોલ જેવું હથિયાર લઇ તેની પાછળ દોડતા તેણીએ દોડી જઇ બન્ને ઘર વચ્ચેનો દરવાજો બંધ કરી દીધો હતો.
દરમિયાન તેમનો 28 વર્ષીય પુત્ર જયદીપ આવતા તેનેફાયરીંગ થયાની વાત કરી હતી. તેથી બન્ને મા-દીકરાએ સીડી પર જઇને જોતા સસરાના ધરના ફળિયામાં પ્રતાપભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પડયા હતાં. અને બાજુમાં ટેબલ પર રામકુભાઈ હાથમા પિસ્તોલ જેવું હથિયાર લઇને બેઠા હતા. આથી જયદીપ દીવાલ કૂદી ફળિયામાં ગયો અને શેરીમાં પડતો દરવાજો ખોલ્યો હતો.પરિવારના અન્ય સભ્યો તથા પાડોશીએ દોડી જઇ પ્રતાપભાઈને સારવાર માટે ખસેડયા પણ તેમનું મોત થયું હતું.