હાર્દિક જ નહીં Team India ના આ બે સ્ટાર ખેલાડી પણ ગંભીરના ‘ફ્યુચર પ્લાન’માં નહીં?

Share:

Mumbai,તા.20

રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત બાદ ભારતીય ક્રિકેટમાં નવા કેપ્ટન માટે હલચલ વધી થઈ ગઈ છે. આગામી શ્રીલંકા પ્રવાસ માટે સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ હવે બધાની નજર શુભમન ગિલ પર પણ છે. ગિલને T20 જ નહીં પરંતુ વનડે માટે પણ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ શું એ કહેવું યોગ્ય રહેશે કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર ગિલને ભારતીય ટીમના આગામી કેપ્ટન તરીકે વિચારી રહ્યા છે.

રોહિત પાસેથી ગિલ ઘણું શીખી શકે

ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ એવું જણાઈ રહ્યું છે કે શુભમન ગિલના સારા દિવસો શરુ થઇ ગયા છે. તેને T20 વર્લ્ડકપ બાદ ઝિમ્બાબ્વે ટુર માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. જ્યાં તેની આગેવાનીમાં ટીમે 4-1થી સીરિઝ જીતી હતી. હજુ પણ વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે. તેના નેતૃત્વ હેઠળ ગિલ ઘણું શીખી શકે છે. તે માત્ર 24 વર્ષનો છે અને તેની પાસે શીખવા માટે ઘણો સમય છે. તેથી રોહિત શર્મા સંપૂર્ણપણે નિવૃત્ત થાય ત્યાં સુધીમાં ગિલ એકદમ પરિપક્વ થઈ ગયો હશે.

હાર્દિક અને પંત પહેલેથી જ રેસની બહાર થઇ ગયા

હાર્દિક પંડ્યાની પહેલેથી જ અવગણના કરવામાં આવી છે. એવું જણાવી રહ્યું હતું કે ફિટનેસ, વારંવાર ઇજાઓ અને વર્કલોડ મેનેજમેન્ટ જેવી બાબતો તેને કેપ્ટનશીપથી દૂર લઈ ગઈ હતી. બીજી તરફ ઋષભ પંત પણ એક ઉભરતું નામ છે. પરંતુ 2022માં થયેલા અકસ્માત બાદ તે હજુ સુધી ભારતીય ટીમમાં સંપૂર્ણ સ્થાન મેળવી શક્યો નથી. આ રીતે, પંત અને પંડ્યાના રૂપમાં શુભમન ગિલના બે સૌથી મોટા પ્રતિસ્પર્ધી કેપ્ટનશીપની રેસમાં તેનાથી પાછળ રહી ગયા છે.

કેએલ રાહુલની પણ અવગણના કરાયી

ટીમની જાહેરાત પહેલા કેએલ રાહુલને વનડે સીરિઝમાં કેપ્ટન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. તો રોહિત શર્માના પરત ફર્યા બાદ રાહુલને વાઈસ કેપ્ટન બનાવવો જોઈતો હતો. એવું લાગી રહ્યું છે કે રાહુલને પણ કેપ્ટનશીપની રેસમાંથી બહાર કરી દેવાયો છે. ગિલે આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યાં તેને ભારતના દિગ્ગજ ઝડપી બોલર આશિષ નેહરા પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. જો કે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે રહી હતી. પરંતુ આ મુશ્કેલ અનુભવ ભવિષ્યમાં તેમને મદદ કરી શકે છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *