Nigeria,તા.16
નાઈજીરિયામાં જિગાવા રાજ્યમાં મંગળવારે મોડી રાત્રે એક પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થતા ભારે હડકંપ મચ્યો છે. આ ઘટનામાં 90થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ટેન્કર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા થયો વિસ્ફોટ
મીડિયા અહેવાલો મુજબ માજિયા વિસ્તારમાં આવેલી ખાલીદા યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે વાહન પરથી કાબુ ગુમાાવ્યો હતો, જેના કારણે આ ભયંકર વિસ્ફોટ થયો છે. જિગાવા પોલીસ પ્રવક્તા શી ઈસુ આદમે બુધવારે આ ઘટનાની પુષ્ટી કરીને જણાવ્યું છે કે, વિસ્ફોટમાં ઓછામાં ઓછા 94 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને રિંગિમ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટેન્કર પલટી ખાય ગયા બાદ ભયંકર વિસ્ફોટ થયો
આદમે કહ્યું કે, ટેન્કર ચાલક કાનોથી ન્ગુરુ યોબે તરફ જઈ રહ્યો હતો, ત્યારે માજિયા વિસ્તારમાં મંગળવારે રાત્રે લગભગ 11.30 કલાકે આ વિસ્ફોટ થયો છે. ટેન્કર ચાલકે અચાનક વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કર પલટી ગઈ હતી અને ભયાનક વિસ્ફોટ થયો હતો.

પલટે ટેન્કર પાસે અનેક લોકો એકઠા થતા મોટી જાનહાની સર્જાઈ
તેમણે એમ પણ કહ્યું કે, ટેન્કર પલટી ગયું ત્યારે અનેક લોકો ટેન્કર પાસે એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસે લોકોને ત્યાંથી ખસી જવા માટે વારંવાર ચેતવણી આપી છતાં લોકો ત્યાંથી હટ્યા ન હતા. જેના કારણે અનેક લોકો વિસ્ફોટની ઝપેટમાં આવી ગયા છે.