Mumbai,તા.30
શેરબજાર છેલ્લા ચાર-પાંચ મહિનાથી વધઘટે મંદીના માહોલમાં રહ્યું છે. ચાલુ જાન્યુઆરી મહિનો પણ ખરાબ જ છે. નિફટીમાં સરેરાશ ત્રણ ટકાનો ઘટાડો છે. જાન્યુઆરીને આડે માંડ એક દિવસ બાકી રહ્યો છે ત્યારે સળંગ ચોથા મહિનામાં શેરબજારમાં માસિક ઘટાડો જ રહેવાની આશંકા છે.
વર્ષ 2001 પછી પ્રથમ વખત સળંગ ચાર મહિનાનો માસિક ઘટાડો હશે. શેરબજારના જાણકારોના કહેવા પ્રમાણે 2019થી દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મંદીનો જ માહોલ જણાયો હતો એટલુ જ નહી છેલ્લા 25 વર્ષમાં સળંગ ત્રણ મહિના મંદી થઈ હોય તેવા ઘટનાક્રમ 13 વખત બન્યા હતા પરંતુ સળંગ ચાર મહિના ઘટાડો રહેવાનુ 2001 પછી પ્રથમ વખત બનશે.
મહત્વની વાત એ છે કે સળંગ 3-4 મહિના નિફટીમાં ઘટાડો થયો હોય તો ત્યારપછીના મહિનાઓમાં તેજી થાય છે. 2001માં જુલાઈથી સપ્ટેમ્બરમાં 6 ટકાની મંદી પછી ત્રણ મહીનામાં પાંચ ટકાની તેજી થઈ હતી.
ફેબ્રુઆરી મહિનાને લાગેવળગે છે ત્યાં સુધી સામાન્ય બજેટનું એલાન, રિઝર્વ બેંકની વ્યાજનીતિ, ટ્રમ્પની વ્યાપાર નીતિ, વિદેશી નાણાં સંસ્થાઓનું વલણ વગેરે નિર્ણાયક હશે. છેલ્લા વર્ષોના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો ફેબ્રુઆરીએ મોટાભાગે ખરાબ જ રહેતો આવ્યો છે.
જાણરકારોએ એમ કહ્યુ કે, બજેટ બાદ ચિત્ર કલીયર થયા બાદ માર્કેટમાં નિશ્ર્ચિત થઈ જાય છે. બજેટના એક સપ્તાહ પુર્વે 0.46 ટકાના નેગેટીવ રિટર્ન પછી બજેટ પછીના સપ્તાહમાં 1.35 ટકા પોઝીટીવ રિટર્ન મળે છે.