Mumbai,તા.05
ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં 25 રનથી હારી ગઈ હતી. અને તેની સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝ 3-0થી ગુમાવી દીધી હતી. આ મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. બીજી ઈનિંગમાં 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં રિષભ પંત જ 15થી વધુ રન બનાવી શક્યો હતો. ટીમના તમામ સ્ટાર બેટરો ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. ભારત 29.1 ઓવરમાં માત્ર 121 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અને ન્યૂઝીલેન્ડ ત્રણ કે તેથી વધુ ટેસ્ટ મેચોની ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં ભારતને ક્લીન સ્વીપ કરનાર પહેલી ટીમ બની હતી.
પંતે બીજી ઇનિંગમાં 57 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. અને ભારતને મેચમાં જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એજાઝ પટેલના હાથે વિવાદાસ્પદ રીતે આઉટ થઇ ગયો હતો. 106 રનના સ્કોર પર તેમની વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમ પત્તાના ઘરની જેમ પડી ગઈ હતી. ભારતના આ નિરાશાજનક પ્રદર્શન પછી રિષભ પંતે સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.
તમારા ખરાબ સમયને સ્વીકારો
ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ હાર્યા બાદ પંતે લખ્યું હતું કે, ‘જીવન સિઝનની સીરિઝ છે. જ્યારે તમે પડો છો, ત્યારે યાદ રાખો કે વૃદ્ધિ વર્તુળમાં થાય છે. તમારા ખરાબ સમયને સ્વીકારો. એ જાણીને કે તે તમને વધુ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તૈયાર કરી રહ્યા છે.’
સીરિઝમાં રિષભ પંતનું શાનદાર પ્રદર્શન
27 વર્ષીય રિષભ પંત ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ 3 મેચની સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 6 ઇનિંગ્સમાં 43.50ની સરેરાશથી 261 રન બનાવ્યા હતા. પંતે આ સીરિઝ દરમિયાન 3 અડધી સદી ફટકારી હતી. તે બેંગલુરુ ટેસ્ટમાં માત્ર 1 રનથી તેની સદી ચૂકી ગયો હતો.