New Delhi,તા.07
ન્યુઝીલેન્ડનો બેટ્સમેન વિલ યંગે કહ્યું કે હું વર્ષોથી રિઝર્વ બેટ્સમેન હતો. તેથી, મેદાન પર પાણી પહોંચાડવાની ભૂમિકા ભજવનાર ખેલાડીની લાગણી હું સારી રીતે સમજું છું. કેન વિલિયમસન જેવાં દિગ્ગજ ખેલાડીની જગ્યા ભરવી સરળ નથી. ભારત સામે ન્યુઝીલેન્ડની 3-0 થી ટેસ્ટ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિલ યંગ ચાર વર્ષ માટે અનામત બોલર તરીકે મેદાન પર પાણી પુરું પાડતો હતો અને જયારે તેને તક આપવામાં આવી તો તે તકનો લાભ લેવામાં સફળ થયો હતો. યંગને ત્રણેય ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. બેંગલુરુ ટેસ્ટમાં અણનમ 48 રન બનાવીને યંગે સંકેત આપ્યો હતો કે તે પોતાને સાબિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
એક મોટી તક તરીકે જોવામાં આવે છે :-
ન્યુઝીલેન્ડની ઐતિહાસિક જીત વિશે બોલતાં, યંગે કહ્યું, ’ચાર વર્ષ પહેલાં મારાં ડેબ્યુ પછી, હું ટીમની અંદર અને બહાર થતો રહ્યો છું. જ્યારે મને તક મળી, ત્યારે હું મારી રીતે રમવા માટે ઉત્સાહિત હતો અને મેં કેનને રિપ્લેસ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. મેં મારી રમત રમી હતી. મેં આને મારાં માટે એક મોટી તક તરીકે જોયું હતું.
પિતાનો રચિનને સંદેશ :-
ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્રના પિતા વારંવાર તેમનાં વખાણ કરતાં નથી, પરંતુ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં વિજય બાદ જ્યારે તેઓએ તેમનાં પુત્રને સંદેશો મોકલ્યો કે ’મને તારાં પર ખૂબ ગર્વ છે’.
ભારતીય મૂળનાં 24 વર્ષીય ખેલાડી રચિને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રચિનનો જન્મ વેલિંગ્ટનમાં થયો હતો, પરંતુ પરિવારનાં મૂળ બેંગલુરુમાં છે. રચિને કહ્યું, ’મેં વારંવાર મારાં પિતાને એવું કહેતાં સાંભળ્યાં નથી કે મને તારાં પર ખૂબ ગર્વ છે, તેથી અમારી જીત પછી તેમનાં તરફથી આ સંદેશ મળ્યો તેનાથી ખૂબ જ સારું લાગ્યું. રચિનના દાદા-દાદી બેંગલુરુમાં જ રહે છે.