Mumbai,તા.01
ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના છેલ્લા મુકાબલામાં ન્યુઝીલેન્ડનો સામનો કરવા જઈ રહી છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ તેમ છતાં આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ ટીમો ગ્રુપ A માં જીત સાથે ટોપ પર રહેવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ જેવી ખતરનાક ટીમ સામે મજબૂત પ્લેઈંગ 11 સાથે મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરશે.ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચ માટે ભારતની પ્લેઈંગ 11માં રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ બેટ્સમેન હશે. બાંગ્લાદેશ સામે પચાસથી વધુ રનની ભાગીદારી કર્યા બાદ રોહિત અને ગિલે પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે 31 રનની ભાગીદારી કરી હતી. રોહિત અને ગિલ ન્યૂઝીલેન્ડ સામે મોટી પાર્ટનરશિપ કરવાનો પ્રયાસ કરશે. રોહિત પાકિસ્તાન સામે 20 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે ગિલે બાંગ્લાદેશ સામે સદી પૂરી કર્યા બાદ પાકિસ્તાન સામે 46 રનની ઇનિંગ રમ્યો હતો. ગિલ અને રોહિત ઘણા સમયથી ભારતને સારી શરૂઆત આપી રહ્યા છે, તેથી ન્યૂઝીલેન્ડ સામે પણ તેમના પર મોટી જવાબદારી રહેશે.
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે મેચ વિનિંગ સદી ફટકારીને ફોર્મમાં વાપસી કરી છે. તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો નંબર 3 હશે. બીજી તરફ શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારીને પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અય્યર ફરી એકવાર નંબર 4 પર આવશે. આ ઉપરાંત કેએલ રાહુલને પાકિસ્તાન સામે બેટિંગ કરવાની તક નહોતી મળી. પરંતુ આ ખેલાડી ટીમ ઈન્ડિયાનો નંબર 5 બેટ્સમેન છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતની પ્લેઈંગ 11માં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ત્રણ ઓલરાઉન્ડર હશે. ભલે તેણે બેટથી વધારે યોગદાન ન આપ્યું હોય, પરંતુ તેઓએ બોલથી કમાલ કરી છે. પંડ્યાએ 2 વિકેટ લીધી જ્યારે જાડેજા અને અક્ષરે 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય બોલિંગ લાઈનઅપમાં એક ફેરફાર જોવા મળી શકે છે. જો ભારતીય ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ શમીને આરામ આપવાનો નિર્ણય લે તો અર્શદીપ સિંહ ભારતની પ્લેઈંગ 11માં વાપસી કરી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં શમીને ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. શમીની ઈજા ગંભીર ન હોવા છતાં, ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા નહીં માંગશે, કારણ કે તે ઈજાથી લાંબા સમય સુધી આરામ કર્યા બાદ તાજેતરમાં જ તેણે વાપસી કરી છે.
સેમિફાઈનલમાં સ્થાન પહેલાથી જ નિશ્ચિત થઈ ગયું હોવાથી ભારત શમીને આરામ આપી શકે છે અને અર્શદીપ સિંહને પાછો બોલાવી શકે છે. બીજી તરફ હર્ષિત રાણા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ ભારતની પ્લેઈંગ 11માં પોતાનું સ્થાન જાળવી રાખે તેવી અપેક્ષા છે. કુલદીપે પાકિસ્તાન સામે 3 વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાએ 1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ.