Maharashtra,તા.૨૩
અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીએ બુધવારે ૨૦ નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ૩૮ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી, છગન ભુજબલ યેવલાથી અને દિલીપ વાલસે પાટીલ અંબેગાંવથી ચૂંટણી લડશે.
આ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાએ ૪૫ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. વિજય સુનિશ્ચિત કરવા માટે, સીએમ એકનાથ શિંદે ફરી એકવાર કોપરી પચપાખરીથી પોતાનો દાવો રજૂ કરશે, જ્યારે પાર્ટીએ પૈઠાણથી વિલાસ સંદીપન ભુમરેને મેદાનમાં ઉતાર્યા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તેના ૪૫ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેનું નામ માહિમથી ઉમેદવાર તરીકે બહાર પાડવામાં આવ્યું છે.મનસેપ્રવક્તા અને પૂર્વ કાઉન્સિલર સંદીપ દેશપાંડે વર્લીથી ચૂંટણી લડશે.
આ વખતે મહારાષ્ટ્રમાં રાજકીય હરીફાઈ ઘણી રસપ્રદ બને તેવી શક્યતા છે. કારણ કે મહા વિકાસ અઘાડી સરકાર લગભગ ૨૫ મહિના પહેલા જૂન ૨૦૨૨માં પડી ગઈ હતી. આ પછી બીજેપી સમર્થિત સરકાર બની. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેના ભાગલા પછી રાજ્યમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલમાં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સરકારને ૨૮૮ સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ૨૦૨ ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપ ૧૦૨ ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ૪૦ ધારાસભ્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના પાસે ૧૮ ધારાસભ્યો છે. ૧૪ અપક્ષ ધારાસભ્યોએ પણ એનડીએ સરકારને સમર્થન આપ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેની સરકારને અન્ય પાંચ નાના પક્ષોનું પણ સમર્થન છે.
આ સિવાય વિપક્ષી છાવણીમાં કુલ ૭૧ ધારાસભ્યો છે (મહા વિકાસ અઘાડી ). કોંગ્રેસ ૩૭ ધારાસભ્યો સાથે વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના પાસે ૧૬ ધારાસભ્યો છે. વરિષ્ઠ રાજકારણી શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી એસપી) પાસે ૧૨ ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટી પાસે બે ધારાસભ્યો છે, સીપીઆઇએમ અને પીડબ્લ્યુપીઆઇ પાસે એક-એક ધારાસભ્ય છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના બે ધારાસભ્યો પણ વિપક્ષી છાવણીમાં છે. વિધાનસભાની ૧૫ બેઠકો ખાલી છે.