New Delhi, તા.૨૨
NCERTએ ધોરણ-૬ માટે સામાજિક વિજ્ઞાનના નવા પાઠયપુસ્તકમાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાં હડપ્પા સભ્યતાના બદલે સિંધુ-સરસ્વતી સભ્યતા શબ્દનો પ્રયોગ કરાયો છે. વધુમાં જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાનો ઉલ્લેખ કરાયો નથી તેમજ બાબા સાહેબ આંબેડકરના અનુભવોના સંદર્ભ બદલી નાંખવામાં આવ્યા છે, જેના કારણે ભારે વિવાદ સર્જાવાની શક્યતા છે.
NCERTના સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સના નવા પાઠયપુસ્તક મુજબ ગ્રીનવિચ મધ્યરેખાના ઘણા સમય પહેલાં ભારતની પોતાની પ્રધાન મધ્ય રેખા હતી, જેને ’મધ્ય રેખા’ કહેવાતી હતી અને તે મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરથી પસાર થતી હતી. નવા પાઠયપુસ્તક મુજબ હાલમાં પૃથ્વીની મધ્ય રેખા ગણાતી ગ્રીનવિચ ભૂમધ્ય રેખા પહેલી પ્રધાન મધ્યરેખા નથી. ભૂતકાળમાં અન્ય મધ્ય રેખાઓ પણ હતી.
ભારતની પોતાની મધ્યરેખા હતી, જે ઉજ્જૈન શહેરમાંથી પસાર થતી હતી અને આ શહેર અનેક સદીઓ સુધી ખગોળ વિજ્ઞાનનું એક કેન્દ્ર હતું. પ્રખ્યાત ખગોળશાસ્ત્રી વરાહમિહિર લગભગ ૧૫૦૦ વર્ષ પહેલા અહીં રહેતા હતા. ભારતીય ખગોળશાસ્ત્રી અક્ષાંશ અને દેશાંતરની વ્યાખ્યાઓથી માહિતગાર હતા, જેમાં ઉજ્જૈનની મધ્ય રેખા બધા જ ભારતીય ખગોળ ગ્રંથોમાં ગણનાઓ માટે સંદર્ભ બની ગઈ. એક્સપ્લોરિંગ સોસાયટી ઈન્ડિયા એન્ડ બિયોન્ડ એનડીએ સરકારનું નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન ૨૦૨૩ હેઠળ તૈયાર કરાયેલું સોશિયલ સાયન્સનું પહેલું પાઠયપુસ્તક છે. આ પાઠયપુસ્તકમાં કરાયેલા ફેરફાર મુજબ પહેલા ઈતિહાસ, રાજકીય વિજ્ઞાાન અને ભૂગોળ માટે અલગ અલગ પુસ્તકો હતા. પરંતુ હવે સોશિયલ સાયન્સ માટે એક જ પુસ્તક હશે, જેને પાંચ ખંડોમાં વિભાજિત કરાયું છે, જેમાં ભારત અને વિશ્વઃ ભૂમિ અને લોકો, ભૂતકાળના તાણા-વાણા, આપણો સાંસ્કૃતિક વારસો અને જ્ઞાાન પરંપરાઓ, શાસન અને લોકતંત્ર તથા આપણી આજુબાજુનું આર્થિક જીવનનો સમાવેશ થાય છે.
વધુમાં હવે હડપ્પા સંસ્કૃતિના બદલે સિંધુ-સરસ્વતિ સંસ્કૃતિ ભણાવાશે. ઈતિહાસના જૂના પુસ્તકમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ માત્ર એક વખત ઋગ્વેદના એક ખંડમાં કરાયો હતો. નવા પુસ્તકમાં ભારતીય સભ્યતાની શરૂઆત સંબંધિત પ્રકરણમાં અનેક વખત આ નદીનો ઉલ્લેખ કરાયો છે.