Nagpur,તા.૨
રાજકારણએ ’અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર’ છે. જ્યાં દરેક વ્યક્તિ નાખુશ હોય છે. અને પોતાના હાલના પદ કરતાં ઊંચા પદ મેળવવાની ઈચ્છા રાખે છે.’ આ વાત બીજુ કોઈ નહી પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી છે. તેમનું માનવું છે કે, જીવનમાં સમસ્યાઓ ઘણાં પડકારો લઈને આવે છે. પરંતુ તેનો સામનો કરીને આગળ વધવું એ જ જીવન જીવવાની કળા છે.
નાગપુર ખાતે યોજાયેલા એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ’જીવન સમાધાન, જવાબદારી, મર્યાદાઓ અને વિરોધાભાસથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ ભલે પારિવારિક, સામાજિક, રાજકીય કે કોર્પોરેટ જીવનમાં હોય પરંતુ જીવન હંમેશા બધા માટે પડકારો અને સમસ્યાઓથી ભરેલું હોય છે. અને તેનો સામનો કરવા માટે વ્યક્તિએ ’જીવન જીવવાની કળા’ સમજવી જરૂરી છે.’રાજસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમને યાદ કરતા નીતિન ગડકરીએ જણાવ્યું કે, ’રાજકારણએ અસંતુષ્ટ આત્માઓનો સાગર છે. જ્યાં દરેક વ્યક્તિ હંમેશા દુઃખી જ રહે છે. જે કોર્પોરેટરના પદ પર છે. તે એટલા માટે દુખી છે કે, તેણે ધારાસભ્ય બનવાની તક ન મળી. અને ધારાસભ્ય એટલા માટે દુખી છે કે, તેને મંત્રી બનવા ન મળ્યું. અને જે મંત્રી બને છે, તે એટલા માટે દુખી છે કે તેણે સારું મંત્રાલય ન મળ્યું. અને તે મુખ્યમંત્રી ન બની શક્યા. મુખ્યમંત્રી એટલા માટે ટેન્શનમાં રહે છે કે, હાઈકમાન્ડ ક્યાંક મને પદ પરથી રાજીનામું આપવાનું કહી દેશે તો?
નીતિન ગડકરીએ કહ્યું કે, ’મેં મારી રાજકીય કારકિર્દીમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સનની આત્મકથા વાંચી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, માણસ જ્યારે સંપૂર્ણ હારી જાય છે, ત્યારે તે સમાપ્ત થઇ જતો નથી. પરંતુ જ્યારે તે હાર માની લે છે, ત્યારે તે સમાપ્ત થઇ જાય છે.’ ગડકરીએ સુખી જીવન માટે સારા માનવીય મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે જીવન જીવવા અને સફળ થવા માટે તેમના આદર્શો અને સિદ્ધાંતોને લોકો સાથે શેર કર્યા હતા.