મારું happiness મારામાં

Share:

જિંદગીપૂરી થવાના આરે હોય તો પણ માણસને સાચા સુખની ઓળખ થતી નથી. કારણ કે માણસ સુખની ભ્રાંતિઓમાં જીવે છે. માત્રને માત્ર ભૌતિક્તાઓમાં જ સુખ શોધતો માણસ સાચા સુખથી વંચિત રહી જાય છે. સુખ કોઈને દેખાડી દેવામાં નથી છુપાયું. સાચુ સુખ તો તન-મન સાથે જોડાયેલું હોય છે. તમે માની લીધેલું ભૌતિક સુખ તો માત્ર સગવડ પુરી પાડે છે. સુખ કે શાંતિ નથી આપતું. દિવાલ ઉપર ટીંગાડેલું એ.સી. તનને ઠંડું કરે છે, મનને નહિં. મન તો જ ઠંડું થાય, જ્યારે તમારા કોઈ  સત્કર્મથી માહ્યોલો રાજી થયો હોય. તમારું દિલ બાગબાગ થઈ જાય એ જ સાચું સુખ.

માત્રને માત્ર રૂપિયામાં જ સુખ શોધતો માણસ જીવનથી સતત રુંધાઈને રુંધાઈને જીવતો હોય છે. પોતાની જાતને સ્માર્ટ સમજતા કેટલાક મૂર્ખાનંદો સરવાળા અને ગુણાકાર કરવામાં જ જીવનને બરબાદ કરે છે. ખરેખર તો ભાગાકાર અને બાદબાકી પણ શીખવી એટલી જ જરૂરી છે. ગણિત તો જીવનને પણ એટલું જ લાગું પડે છે જે આપણે ભણ્યા છીએ અને તો જ જીવનનો દાખલો સાચો પડે. ગણિત એટલે સરવાળા, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી. કહેવાનો મતલબ સુખને ભૌતિક્તા સાથે કશું લાગતું-વળગતું નથી. સાચું સુખ તો મન સાથે, આંખ સાથે, હૃદય સાથે જોડાયેલું છે. સુખના સરનામા ના હોય, સુખ તો શોધવું પડતું હોય છે. સુખ તો આપણી આસપાસ કુદરતે ખોબલે ખોબલે પીરસેલું છે. પલળવાથી સુખ ન મળે, સુખ તો ભીંજાવાથી મળે.

માણસે જીવન જ એવું જીવવું જોઈએ કે એનો પ્રત્યેક વ્યવહાર, દરેક કર્મ માણસને આંતરિક સુખની સમીપ લઈ જાય. તમારું અંતર ભાવવિભોર, પ્રસન્ન, આનંદિત અને પુલકિત થઈ જાય એવું દરેક કાર્ય તમને સુખની અનુભૂતિ કરાવી શકે છે. જે વ્યક્તિને મારું સુખ મારામાં જ છે એની ખબર પડી જાય પછી તે દુ:ખ માટે કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ કે સમયને દોષ નથી દેતો. એના હોંઠે તો સદાય આ ગીત રમતું હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *