Patna તા.11
ધુળેટીના દિવસે મુસ્લીમોને ઘરમાં જ રહેવાની ઉતરપ્રદેશના સંભલના પોલીસ અધિકારીની સલાહને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પણ સમર્થન આપ્યા બાદ હવે બિહારમાં પણ ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે સમાન ચેતવણી ઉચ્ચારતા જબરો વિવાદ સર્જાયો છે.
હિન્દુઓનો રંગોત્સવ-ધુળેટીનો તહેવાર તથા રમજાનમાં મુસ્લીમોની જુમ્માની નમાજનો દિવસ એક જ હોવાથી તનાવની સ્થિતિ સર્જાવાની ભીતિથી સરકાર-તંત્ર એલર્ટ છે જ ત્યારે ઉતરપ્રદેશ બાદ બિહારમાં પણ ભાજપના ધારાસભ્યે આક્રમક વિધાન કર્યુ છે.
બિહારના મધુબની જિલ્લાના ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે કર્યુ કે આ વખતે ધુળેટી શુક્રવારે છે. મુસ્લીમોના રમજાનના જુમ્મા પણ તે જ દિવસે છે ત્યારે મુસ્લીમોએ ધુળેટીના દિવસે ઘરમાં જ રહેવુ જોઈએ અને ધુળેટીના તહેવારમાં કોઈ વિધ્ન ઉભા થાય તેવા કાર્યથી દુર રહેવુ જોઈએ. મુસ્લીમો માટે વર્ષે બાવન શુક્રવાર આવે છે એટલે હોળીના દિવસે બહાર નિકળવાનુ ટાળવુ જોઈએ.
મુસ્લીમો બહાર રહે અને કયાંક કલર ઉડી જાય તો પણ આક્રમક પ્રત્યાઘાત નહીં કરવાનુ આહવાન કર્યુ હતું. ભાજપ ધારાસભ્યએ કહ્યું કે એક તરફ તેઓ અબીલ-ગુલાલ વેચીને કમાણી કરે છે અને બીજી તરફ રંગોત્સવથી દુર ભાગે છે. દરેકે એકબીજાની ધાર્મિક ભાવનાનો આદર કરીને કોમી એકતા જાળવવી જોઈએ.
ભાજપ ધારાસભ્યના આ વિધાન સામે વિપક્ષી નેતા તેજસ્વી યાદવે પ્રહાર કર્યો હતો અને કોમી ટેન્શન સર્જવાનો પ્રયાસ હોવાનો આરોપ મુકયો હતો. મુખ્યમંત્રી નીતીશકુમારે ધારાસભ્યને કાબુમાં રાખવા જોઈએ. રાજદના નેતા ઈસરાયલ મન્સુરીએ એને કટાક્ષ કર્યો હતો કે હિન્દુ નેતાઓ ઈફતારમાં પણ આવે છે. ભાજપ માત્ર કોમી તનાવ સર્જે છે.