Mumbai,તા.12
મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત મુંબઈના શ્રી શ્વેતામ્બર જૈન સંઘોના 1100થી વધુ સંઘોના પ્રતિનિધિઓનું એક વિશાળકાય સંઘ સમ્મેલન શ્રી ગોરેગાવ જવાહનગર ખાતે ગત શનિવારે બપોરે 2થી 5 અભૂતપૂર્વ રીતે સંપન્ન થયું હતું.
એકતા, સંપ અને સંઘે શક્તિ કલૌ યુગેના નારા સાથે યોજાયેલ આ સંમ્મેલનમાં સમગ્ર મુંબઈના સંઘોના પ્રતિનિધિઓને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીઓ પ્રશાંતમૂર્તિ પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ સૂરીશ્વરજી મહારાજા તથા ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાએ ખૂબ હૃદયના આશીર્વાદ આપ્યા હતા અને સંઘના બધા જ સભ્યોને સંગઠીત થઈને શ્રી મુંબઈ જૈન સંઘ સંઘઠનના નેજા હેઠળ શાસનના આરાધના, પ્રભાવના અને રક્ષા ધર્મના કાર્યો કરવા માટે વિશેષ આહવાન કર્યું હતું.
આ સિવાય સભાને પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય ભગવંત શ્રી ભાગ્યેશસૂરીશ્વરજી મહારાજા, પૂ. આચાર્ય ભગવંત શ્રી મહાબોધિસૂરીશ્વરજી મહારાજા તેમ જ આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજાએ ઉચિત માર્ગદર્શન આપ્યું હતું તેમ જ પરમ પૂજ્ય આચાર્ય ભગંવત શ્રી અજિતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી જિનરત્નવિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આશીર્વાદ આપ્યા હતા અને 100થી વધારે પદસ્થ તથા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા હતા.
શ્રી જવાહરનગર જૈન સંઘના ઉપક્રમે યોજાયેલ આ સભામાં શાસન રક્ષા, સંઘ સુરક્ષા, પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર માર્ગની વ્યવસ્થા, સ્થાવર અને જંગમ તીર્થ રક્ષા, વિદ્યાપીઠોની સ્થાપના, ધ્યાન કેન્દ્રોની આવશ્યકતા વગેરે કાર્યો માટે એક વ્યવસ્થા તંત્રની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સંગઠનની એક હાઈટેક ઓફિસ બનાવવાનો પૂજ્ય ગુરુભગંવતોએ માર્ગદર્શન આપ્યું હતું. સાધર્મિકોના સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ પ્રકારે પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સાધ્વીજી ભગવંતો દ્વારા જ્ઞાન શિબિરો યોજીને બહેનોને સંસ્કારિત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જૈન સંઘો અને જૈનોની વસ્તી ગણતરીને અગ્રતાક્રમ આપીને એક ડેટાબેઝ તૈયાર કરી વોટ્સએપ ઉપર એક જૈન સંઘનું અખબાર ચાલુ કરવાનું તેમ જ સોશિયલ મીડિયા દ્વારા પરમાત્મા મહાવીરના અકાટ્ય સિદ્ધાંતોને વિશ્વભરમાં પ્રસારિત કરી યુવાનોને ધર્મ માર્ગ ઉપર જોડવાનું આયોજન વિચારાયું હતું. તીર્થ રક્ષા માટે એક લિગલ સેલની સ્થાપના કરીને સકળ શ્રી સંઘોને કાયદાકીય માર્ગદર્શન આપવાનું સુનિશ્ચિત કરાયું હતું. શ્રુતના સંરક્ષણ અને સંવર્ધન માટે વિશેષ પ્રયાસો આદરવામાં આવશે તે નક્કી કરાયું હતું.
આ વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે રશ્મિનભાઈ કંપાણી પરિવાર, લોઢા પરિવાર, સાંચોર જૈન સમાજના અગ્રણીઓ તેમ જ જૈન સંઘ સંગઠનના કોર કમિટીના સભ્યો, શ્રી તીનબત્તી જૈન સંઘ, શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના ટ્રસ્ટીઓ ઘેવરચંદભાઈ કોઠારી, હીરેનભાઈ, કમલેશભાઈ, શ્રીમતી લીલાવતીબેન વોરા, સ્નેહલભાઈ, પ્રકાશભાઈ, ચેતનભાઈ શાહ – ઘોઘાવાળા, પંકજભાઈ – ચંદન મુખવાસ, ચંપકલાલ ભોગીલાલા, શ્રી શિંપોલી જૈન સંઘ – બોરીવલી, ભૂષણભાઈ, શ્રીમતી ફાલ્ગુનીબેન હરનીશભાઈ પરિવાર દ્વારા અને અન્ય અનેક મહાનુભાવો દ્વારા વિશિષ્ટ અનુદાનો જાહેર કરવામાં આવ્યા હતા.
પ્રતિવર્ષ એક વખત આવી રીતે મળવાનું સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયેલી આ સભાનું સફળ સંચાલન શ્રી નીતિનભાઈ વોરા અને શ્રી મુકેશભાઈ જૈન અને શ્રી અતુલકુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.