Surat ,તા.03
સુરતમાં આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે તેની સીધી અસર સુરત પાલિકાના વહીવટ પર પડી રહી છે. સુરત પાલિકાની મુખ્ય કચેરી અને કેટલાક ઝોનની કચેરીએ રોજ મુલાકાતીઓ આવે છે પરંતુ અધિકારીઓ સતત મીટીંગમા અને કોર્પોરેટરો ભીડ ભેગી કરવાની મથામણમાં હોવાથી લોકોના ફેરો ફોગટ જઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. સુરતના લિંબાયત ખાતે 7 માર્ચના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વડાપ્રધાનના કાર્યક્રમ માટે સત્તાવાર 31.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જોકે, વડાપ્રધાનની સુરતની જાહેર સભાની સીધી અસર સુરતની સામાન્ય પ્રજાને પડી રહી છે. વડા પ્રધાનની સુરત મુલાકાતના કારણે અન્ય તંત્ર સાથે પાલિકા તંત્ર પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી કરી રહ્યું છે.
તો બીજી તરફ સુરત પાલિકા વિસ્તારમાં રહેતા લોકોની અનેક સમસ્યા છે તે સમસ્યાની ફરિયાદ લઈને લોકો પાલિકાની મુખ્ય કચેરીએ આવી રહ્યા છે. આ ઉપરાંત અઠવા, લિંબાયત, ઉધના ઝોન સહિતના વિસ્તારના લોકો પણ પોતાની સમસ્યા લઈને ઝોન ઓફિસ પર પહોંચી રહ્યાં છે પરંતુ પાલિકાના મોટા ભાગના અધિકારીઓ સતત મીટીંગમાં વ્યસ્ત રહે છે. તો લિંબાયત ઝોનમાં તો મોટા ભાગના અધિકારી-કર્મચારીઓ ફિલ્ડમાં જ જોવા મળે છે. આ ઉપરાંત ભાજપના કોર્પોરટેરો, પદાધિકારીઓ પણ વડાપ્રધાન ની જાહેર સભા માટે તૈયારી કરી રહ્યાં છે જેથી પાલિકામાં કે ઝોનમાં અથવા કોર્પોરેટરો પાસે ફરિયાદ લઈ ને જતા પ્રજાજનોને ધરમ ધક્કો થઈ રહ્યો છે.