Rajkot માં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધી ગયો

Share:

Rajkot, તા. 28
રાજકોટમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મચ્છરનો ઉપદ્રવ ખુબ વધી ગયો છે ત્યારે મહાપાલિકા દ્વારા આ ત્રાસ દુર કરવા ડ્રોનથી મચ્છરનાશક દવાનો છંટકાવ કરવાની ગઇકાલથી શરૂઆત કરવામાં આવી છે. કંપની મારફત આ કામ શરૂ કરાયું છે અને આજી નદી કાંઠાને લગતા વિસ્તાર ઉપરાંત રેલનગર અને પોપટપરામાં પણ સઘન ફોગીંગ ચાલુ કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધુ રહે છે. નદીકાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહેવાને કારણે કયુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેંગ્યુ  જેવા રોગ ફેલાવતા નથી. પરંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુસન્સ તરીકે ઓળખાતા આ મચ્છરના ઉપદ્રવની ફરિયાદ વધુ રહે છે.

તેમાં પણ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ ઉનાળો ચાલુ થઇ ગયો હોય તેવું વાતાવરણ છે. વળી  વ્હેલી સવાર અને મોડી રાત્રે ઠંડક તથા બપોરે ઉનાળા જેવી તાપની ડબલ સિઝનના કારણે પણ મચ્છરજન્ય રોગચાળો અને ત્રાસ વધ્યાનું દેખાઇ રહ્યું છે.

કમિશનર તુષાર સુમેરાની સુચના અન્વયે નદીકાંઠાના વિસ્તારોમાં કયુલેક્ષ મચ્છર  તથા મચ્છરના પોરાના નાશ માટે  ગઇકાલે  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક5ક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા અને આરોગ્ય અઘિકારી ડો.જયેશ વકાણી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડની ઉપસ્થિતમાં ડ્રોન ટેકનોલોજીના માઘ્યમથી પોપટપરા રેલનગર પાછળ આજીનદી ખાતે દવા છંટકાવની પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ કરાઇ છે.

વાહક નિયંત્રણની કામગીરીમાં ડ્રોન ટેકનોલોજીથી દવા છંટકાવની કામગીરીના અનુભવી પાર્ટી પ્રાઈમ. યુ.એ.વી. પ્રા.લિ. એ જુનાગઢ મહાનગરપાલિકા, મહેસાણા શહેરમાં જેવા અલગ અલગ મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં કરી છે.

આ ઉપરાંત બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ એક ડીવીડર મશીન તથા પોપટપરા રેલનગર પાછળ આજી નદીમાં બીજા ડીવીડર મશીન દ્વારા વેલ કાઢી ફાયર ફાઇટર દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

નદીકાંઠાના 80 ફૂટ રોડ પાસે જૂની ખડપીઠની પાછળ, ચૂનારવાડ ભાણજીદાદાના પુલ પાસે, જંગલેશ્વર શેરી-10 પાછળ, રામનાથ ઘાટ તથા રામનાથપરા સ્મશાન પાછળ 32 માણસો દ્વારા મેન્યુઅલી વેલ કાઢી નદી વિસ્તારમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઉપરાંત રેલનગર અને પોપટપરા વિસ્તારમાં કૂલ 4 વાહન મારફતે વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન ઘ્વારા આઉટડોર ફોગીંગની કામગીરી ચાલુ છે.ક્યુલેક્ષ પ્રકારના મચ્છરની ખાસિયત એ છે કે આ મચ્છરો ગંદા, પ્રદુષિત પાણીમાં જ ઉછરવાનું પસંદ કરે છે. આ મચ્છરો સાંજના સમયે ઘરમાં ઘુસે છે અને અડધી રાત્રે કરડે છે. દિવસ દરમ્યાન આ મચ્છર ઘરના અંધારા ખૂણાઓ, ખાલી વાસણો કે ફર્નિચર નીચે ભરાઇ રહે છે અથવા ઘરની બહાર નીકળી જાય છે.

જ્યારે વાતાવરણનું તાપમાન 22 થી 38 સે. જેટલું હોય અને ભેજનું પ્રમાણ 70%ની આસપાસ હોય તે કયુલેક્ષ મચ્છર માટે અનુકુળ વાતાવરણ હોય છે. માટે સવાર સાંજે ઘરના બારી-બારણા બંઘ રાખવાથી મચ્છરના ત્રાસમાંથી રાહત થાય છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *