Lebanon,તા.24
લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એકતરફ હિઝબુલ્લાના લોકો ઈઝરાયલના અનેક શહેરોમાં મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે, તો બીજી રતફ ઈઝરાયલ પણ લેબેનોનમાં મોત વરસાવી રહ્યું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈઝરાયલે સોમવારે (23મી સપ્ટેમ્બર) ફરી લેબેનોનમાં મોટો હુમલો કર્યો છે, જેમાં 490થી વધુ લોકોના મોત અને 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને વચ્ચે સામસામે ભયાનક હુમલા થયા બાદ ઈઝરાયેલે દેશમાં એક અઠવાડિયું ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલમાં એક સપ્તાહની ઈમરજન્સી લાદવામાં આવી
ઈઝરાયલે દેશમાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી છે. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 30મી સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન’ની જાહેરાત કરી છે. આ સાથે લેબનોનના લોકોને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. હિઝબુલ્લાહને ખતમ કરવા માટે ઈઝરાયલ લેબનોનમાં સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે.
ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાના 300થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યાનું સ્વીકાર્યું છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, હુમલો કર્યા પહેલા અમે આસપાસના લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી હતી. ઈઝરાયલે જે ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, તેમાં હિઝબુલ્લાએ હથિયારો અને રૉકેટ છુપાવીને રાખ્યા હતા. સ્કાય ન્યુઝના રિપોર્ટ મુજબ લેબેનોનના સિડોન શહેરમાં લગભગ ત્રણ હુમલા કરવામાં આવ્યા છે.
હિઝબુલ્લાએ 9000 રૉકેટ ઝીંક્યા
ઈઝરાયલી સરકારના પ્રવક્તા ડેવિડ મેનસરે હિઝબુલ્લા સાથે ચાલી રહેલી અથડામણ અંગે કહ્યું કે, ‘ઈઝરાયલની ધીરજ તૂટી નથી. હિઝબુલ્લાએ ઈઝરાયલ પર 9000થી વધુ રૉકેટો ઝીંક્યા છે. આ હુમલામાં 48 લોકોના મોત અને 325 ઈઝરાયલી લોકો ઈજાગ્રસ્ત થયા છે. આઇડીએફએ લેબેનોનમાં મિસાઇલ અટેક કરતાં પહેલા ત્યાંના રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની અપીલ કરી હતી.’
લેબેનોનના શહેરો પર 900 મિસાઇલ ઝીંકાઈ
હુમલા બાદ લેબેનોનમાં શાળાઓને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. લોકો સલામત સ્થળે જતાં જોવા મળ્યા હતા. અનેક શહેરોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી છે. સતત ચોથા દિવસે ઈઝરાયલનો આ મિસાઇલ હુમલો છે. આ સમયગાળા દરમિયાન લેબેનોનના શહેરો પર 900થી વધુ મિસાઇલો ઝીંકવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 250થી વધુ લોકો માર્યા ગયા છે.
અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાના સૈનિકો મોકલી તૈયારી કરી
પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે સોમવારે કહ્યું કે, લેબનોનમાં ઇઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે હિંસા વધી છે, તે જોતા અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધારાના સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધવાનો ખતરો છે. અમેરિકાએ કેટલા વધારાના દળો મોકલવામાં નિર્ણય તો કર્યો છે, જોકે તેઓને શું કામ સોંપવામાં આવશે, તે અંગે કોઈ વિગતો આપી નથી. પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં હાલમાં અમેરિકાના લગભગ 40000 સૈનિકો તહેનાત છે.
હિઝબુલ્લાના હુમલામાં ઈઝરાયલમાં અનેક ઇમારતોને નુકસાન
આ પહેલા હિઝબુલ્લાએ ઈઝરાયલ પર ભયાનક હુમલો કર્યો હતો, જેમાં તેણે 115થી વધુ રૉકેટો ઝીંકાયા હતા. આ હુમલામાં અનેક ઇમારતોને નુકસાન થયું હતો, તો અનેક કારો પણ સળગી ગઈ હતી. સૌથી વધુ ઉત્તરના હાઈફા શહેરમાં મોટી તબાહી મચી હતી. હિઝબુલ્લાએ ઉત્તર સ્થિત એક લશ્કરી ઍરપૉર્ટને નિશાન બનાવ્યું હતું. હુમલા બાદ જેજ્રેલ, ગોલા હાઇટ્સ સહિતના અનેક સ્થળે સાયરનો વાગવા લાગી હતી. સૌથી વધુ હાઈફામાં ખુવારી સર્જાઈ છે, જ્યાં અનેક બિલ્ડિંગોને નુકસાન થયું છે, તો અનેક કારો આગમાં લપેટાઈ ગઈ છે.
ઈઝરાયલે પણ આપ્યો વળતો જવાબ
હિઝબુલ્લાના હુમલા બાદ ઈઝરાયલે પણ વળતો જવાબ આપ્યો હતો. ઈઝરાયલી સેનાએ દક્ષિણ લેબેનોનમાં અનેક મિસાઇલો ઝીંકી હતી અને હિઝબુલ્લા વિરુદ્ધ હુમલા ચાલી રાખવાની કસમ ખાધી છે. રૉકેટ હુમલા બાદ ઈઝરાયલના હોમ ફ્રન્ટ કમાન્ડોએ શાળાઓ, સભાઓ અને આંદોલનો બંધ રાખવાની જાહેરાત કરી છે. હિઝબુલ્લાએ હુમલાની જવાબદારી લઈને કહ્યું કે, અમે હથિયાર બનાવતી કંપની રાફેલને નિશાન બનાવી રહ્યા હતા. ઈઝરાયલી સેનાએ એક પોસ્ટમાં કહ્યું કે, હિઝબુલ્લાના આતંકવાદીઓ અમારા નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. અમારા હજારો નાગરિકો બોમ્બ શેલ્ટરમાં છુપાવા મજબૂર થયા છે.