Odisha,તા.09
ઓડિશાના બાલાસોર જિલ્લાના સોરો બ્લોકના સિરાપુર ગામના મિડ ડે મીલથી સ્કુલના બાળકો બિમાર પડવાનો મામલો સામે આવ્યો છે. ત્યાંની ઉદયનારાયણ નોડલ સ્કુલમાં લગભગ 100 વિદ્યાર્થી ગુરુવારે મિડ ડે મીલ જમ્યા બાદ બિમાર પડી ગયા, જેમાં કથિતરીતે મૃત ગરોળી હતી.
રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીઓને તેમના મિડ ડે મીલમાં ચોખા અને કરી આપવામાં આવી હતી. ભોજન શરૂ કર્યાંના થોડા જ સમય બાદ એક બાળકે તેમાં મૃત ગરોળી જોઈ, જેનાથી વિદ્યાર્થીઓમાં ભય ફેલાઈ ગયો. સ્કુલના અધિકારીઓએ ભોજન વિતરણ અટકાવ્યુ અને વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ ભોજન ન કરે.
પેટ અને છાતીમાં દુખાવો
ઘણા વિદ્યાર્થીઓને પેટનો દુખાવો અને છાતીમાં દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગી. તે બાદ શિક્ષકોએ એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની મદદથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સોરો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) પહોંચાડ્યા. CHC થી એક મેડિકલ ટીમે સ્કુલે પહોંચીને બાળકોની સારવાર કરી. મેડિકલ ટ્રીટમેન્ટ મળ્યા બાદ વિદ્યાર્થીઓએ કથિતરીતે ઉલટી કરી દીધી. તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને બાદમાં આગળની સારવાર માટે સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા.
તપાસ કરવામાં આવશે
બ્લોક શિક્ષણ અધિકારીએ કહ્યું, ‘મને જાણકારી મળી કે ઉદયનારાયણ નોડલ સ્કુલમાં અમુક વિદ્યાર્થીઓ મિડ ડે મીલ જમ્યા બાદ બિમાર પડી ગયા છે. અમુક વાલીઓ અને સ્કુલ સ્ટાફે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. 50થી વધુ વિદ્યાર્થીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે.’ અમુક વાલીઓ સારવાર બાદ પોતાના બાળકોને લઈને ઘરે ગયા છે જ્યારે અમુકની સારવાર ચાલી રહી છે. શિક્ષકો સાથે સંપર્ક કર્યાં બાદ જાણવા મળ્યું કે મિડ ડે મીલ જમ્યા બાદ અમુક સમસ્યાઓના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પેટનો દુખાવો, માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી જેવી સમસ્યાઓ સ્કુલમાં થઈ છે. અમે ભોજનમાં ગરોળી હોવા અંગે કહી શકતાં નથી, પરંતુ આવું કંઈક થયું હશે તો તપાસ કરવામાં આવશે અને જે પણ તેમાં સામેલ હશે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.