Morbi,તા.12
સ્કૂલ બસના વાયરલ વિડીયોથી ખળભળાટ, તપાસના આદેશ છુટ્યા
માત્ર મોરબી જ નહિ સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓની અનેક મનમાની છાશવારે પ્રકાશમાં આવતી હોય છે જેમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને ૧૭ તારીખ સુધી વેકેશન બાદ ૧૮ તારીખથી શાળાઓ શરુ કરવાની હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ કાર્યરત હોવાનું સામે આવ્યું છે સ્કૂલ બસના વિડીયો મોરબીમાં વાયરલ થતા ડીઈઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે
દિવાળીનું વેકેશન હાલ ચાલી રહ્યું છે જે વેકેશન ૧૭ નવેમ્બર સુધી છે અને ૧૮ તારીખથી શાળાઓ શરુ કરવાનો સરકારી પરિપત્ર હોવા છતાં ખાનગી શાળા સંચાલકોને નિયમો લાગુ પડતા ના હોય તેમ શાળાઓ શરુ કરી દીધી હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબીમાં ખાનગી શાળાની બસો શહેરમાં દોડતી હોય તેવા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે શહેરની નવજીવન સ્કૂલ, એલીટ સ્કૂલ, નાલંદા સ્કૂલ, ઓમ શાંતિ સ્કૂલ, સ્વામી નારાયણ સ્કૂલ અને આર્ય વિધાલયની સ્કૂલ બસો શહેરમાં દોડતી જોવા મળી હતી જેમાં વિદ્યાર્થીઓ પણ બેસેલ હોય તેવા વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે શું દિવાળી વેકેશન ચાલુ હોવા છતાં પણ શાળાઓ શરુ કરી દેવામાં આવી છે ? તેવા સવાલો ઉભા થયા છે
જે વાયરલ વિડીયો મામલે જીલ્લા શિક્ષણાધિકારી કે એમ મોતાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વહેલી શાળાઓ શરુ કર્યાના વિડીયો અંગે માહિતી પ્રાપ્ત થઇ છે જે ધ્યાને આવતા AEI ને તપાસ માટે આદેશ આપ્યા છે ત્રણ દિવસમાં અહેવાલ સુપ્રત કરવા જણાવ્યું છે જે રીપોર્ટ આવ્યે કસુરવાન શાળા સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે