ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને બુમરાહના મજબૂત સાથીદારની જરૂર છે ત્યારે શમીને મોકલવાનો સમય પાકી ગયો છે
Bangaloreતા.૧૦
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. અત્યાર સુધીમાં રમાયેલી બે ટેસ્ટ દરમિયાન કોઈને કોઈ સંજોગોમાં ઝડપી બોલર મોહમ્મદ શમીની ગેરહાજરી અનુભવાઈ છે અને તેને કારણે સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પરનું દબણ વધી રહ્યું છે. આ સંજોગોમાં મોહમ્મદ શમી હવે ફિટ થઈ ગયો છે અને હાલમાં ભારતીય ડોમેસ્ટિક સિઝનમાં તે શાનદાર રમત દાખવી રહ્યો છે. સોમવારે જ રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટની મેચમાં શમીએ ચંદીગઢ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની ચાર ઓવરના સ્પેલમાં ૧૩ ડોટ બોલ ફેંક્યા હતા જે ટી૨૦ ક્રિકેટનું સૌથી મોટું જમાપાસું ગણાય છે. આ ઉપરાંત પોતે કેટલો ફિટ છે તે પુરવાર કરવા માટે શમીએ ૧૩૯ કિલોમીટરની ઝડપે બોલિંગ કરી હતી અને બેટિંગમાં પણ પ્રભાવ દાખવીને ૧૭ બોલમાં ૩૨ રન ફટકારી દીધા હતા.દસમા ક્રમે રમવા આવીને શમીએ બે સિક્સર અને ત્રણ ચોગ્ગા સાથે ૩૨ રન ફટકાર્યા હતા. જેને કારણે બેંગાલનો સ્કોર ૧૫૯ સુધી પહોંચી શક્યો હતો. આ ૩૨ રન કેટલા મહત્વના હતા તે મેચના પરિણામ પરથી ખ્યાલ આવી જશે કેમ કે અંતે શમીની બેંગાલની ટીમ ત્રણ રનથી મેચ જીતી શકી હતી. પ્રિ ક્વાર્ટર ફાઇનલ મેચના આ વિજય સાથે બેંગાલે મુસ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર રહેલો મોહમ્મદ શમી વર્તમાન સિઝનની તેની ટીમની તમામ મેચમાં રમ્યો છે અને તેણે પોતાના ચાર ઓવરના સ્પેલ પણ પૂરા કર્યા છે. ૩૪ વર્ષીય મોહમ્મદ શમી આ સિઝનમાં છેલ્લા ૧૬ દિવસમાં બેંગાલ માટે આઠ ટી૨૦ મેચ રમ્યો છે. આમ તેને હવે મેચ ફિટનેસનો પુરાવો આપવાની જરૂર નથી. આ ઉપરાંત તેને બેટિંગમાં જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે પોતાની કાબેલિયત દાખવી છે. સોમવારે ચંદીગઢના મોખરાના બોલર સંદીપ શર્મા સામે શમીએ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ૧૯ રન ફટકારી દીધા હતા. તેણે મોટા ભાગના શોટ ઓફ સાઇડમાં કવર અને મિડ ઓફ તરફ ફટકાર્યા હતા. ત્યાર બાદ બોલિંગમાં તેણે પોતાના પહેલા સ્પેલમાં જ ત્રીજા બોલે ઓપનર અર્સલાન ખાનને આઉટ કરી દીધો હતો. આ અગાઉ તે મધ્ય પ્રદેશ સામે રણજી ટ્રોફી મેચમાં રમ્યો હતો તેની સરખામણીએ સોમવારી ટી૨૦ મેચમાં શમી વધારે ફિટ જણાતો હતો. મધ્ય પ્રદેશ સામે તેણે ૪૨ ઓવર ફેંકી હતી. જોકે તે વખતે તે બોલ ફેંક્યા બાદ જે રીતે ફોલો થ્રુમાં જતો હતો તેનાથી નિષ્ણાતોને શંકા હતી કેમ કે શમી એ વખતે બોલ ફેંક્યા બાદ તે સીધો કવરની દિશામાં જતો હતો જે એવા સંકેત આપે છે કે શમી હજી તેની બોલિંગ એક્શન પૂર્ણ કરવામાં અસમર્થ છે જેના માટે તે અગાઉ જાણીતો અને નિષ્ણાત મનાતો હતો. જોકે સોમવારે તેની બોલિંગ પરફેક્ટ રહી હતી અને આ પ્રકારની કોઈ ખામી જણાઈ ન હતી.ચંદીગઢ સામેની મેચમાં મોહમ્મદ શમીએ ૧૩૯ કિલોમીટરની ઝડપે બોલ ફેંક્યા હતા અને તેની ત્રણ ઓવરમાં પ્રત્યેક બોલ સરેરાશ ૧૩૫ની આસપાસના રહ્યા હતા. આ ત્રણ ઓવરમાં તેણે માત્ર ૧૧ રન આપ્યા હતા અને અંતે ચાર ઓવરમાં ૨૫ રન આપીને એક વિકેટ ખેરવી હતી પરંતુ મહત્વની બાબત એ રહી કે તેણે બધુ મળીને ૨૪માંથી ૧૩ બોલ પર એક પણ રન આપ્યો ન હતો.ઓવરઓલ આ સિઝનમાં શમીએ એક રણજી અને આટ ટી૨૦ મેચ મળીને કુલ ૬૪ ઓવર બોલિંગ કરી છે જેમાં તેને ફાળે ૧૬ વિકેટ આવી છે.