ભારતના સૌથી યાદગાર ગાયકો પૈકી એક મોહમ્મદ રફી એક એવી કાલાતીત દંતકથા છે જેમનો અવાજ હજી પણ લાખો લોકોના હૃદયમાં ગૂંજે છે. તેમની અસાધારણ પ્રતિભા, વિનમ્રતા અને અદ્વિતીય કલાત્મકતાએ તેમને સંગીત જગતમાં એક પ્રકાશસ્તંભ તરીકે સ્થાપ્યા છે. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રફીની જન્મશતાબ્દિ આપણને તેમની અસાધારણ સફર પર મંથન કરવા પ્રેરે છે, જે સફરે એક સાધારણ કિશોરને ભારતીય સંગીતના અમર પ્રતીકમાં પરિવર્તિત કરી દીધા.
વિનમ્ર શરૂઆત
૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના અમૃતસર નજીક કોટલા સુલતાન સિંઘમાં જન્મેલા રફીનું હુલામણું નામ ફીકો હતું. સંગીત તરફ આકર્ષણ અત્યંત કિશોર વયે થયું જ્યારે તેમણે પોતાના ગામમાં એક ફકીરને સુફી ગીત ગાતા સાંભળ્યા. મધ્યમ વાતાવરણમાં ઉછરેલા રફીનો પરિવાર લાહોર સ્થળાંતર થયો જ્યાં રફીના મોટાભાઈની હજામતની દુકાન હતી. શિક્ષણમાં રસ ન હોવા છતાં રફીનું હૃદય સંગીત માટે ધબકતું હતુ. તેમની આ ધગશે તેમને છોટે ગુલામ અલી ખાન, પંડિત જીવનલાલ મટ્ટુ અને ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન જેવા પ્રતિભાશાળી ઉસ્તાદો પાસેથી શિક્ષણ લેવા પ્રેરિત કર્યા.
માત્ર પંદર વર્ષની વયે રફીને મહાન કે.એલ.સાયગલ સાથે એક કાર્યક્રમમાં પરફોર્મ કરવાની તક મળી. આ પરફોર્મન્સથી તેમને સાયગલના આશીર્વાદ તો મળ્યા પણ સાથે તેમની ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત પણ થઈ. સંગીતકાર શ્યામ સુંદરે તેમને પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’ (૧૯૪૪)માં પ્રથમ તક આપી. ત્યાર પછી તુરંત રફી મુંબઈ આવી ગયા જ્યાં પાર્શ્વ ગાયક તરીકે તેમની અદ્વિતીય યાત્રા ખરા અર્થમાં શરૂ થઈ.
રફીનો યુગ
રફીની કારકિર્દી નૌશાદ, એસ.ડી.બર્મન અને શંકલ-જયકિશન જેવા આઈકોનિક સંગીતકારો સાથેના સહયોગ સાથે ખીલી ઉઠી. તેમની બહુમુખી પ્રતિભા બેજોડ હતી. તેઓ સહજતાથી રમતીયાળ ‘સર જો તેરા ચકરાએ’થી લઈને આત્માને ઢંઢોળતું ‘મન તડપત હરિ દર્શન કો આજ’ભજન ગાઈ શકતા. આ ભજને દર્શકોને મંત્રમુગ્ધ કરવા ઉપરાંત રફીની લોકપ્રિય સંગીત સાથે શાસ્ત્રીય બારિકીનું મિશ્રણ કરવાની ક્ષમતા પણ પ્રદર્શિત કરી જેના પરિણામે ફિલ્મ ઉદ્યોગમાં એક અગ્રણી કલાકાર તરીકે તેમનું સ્થાન મજબૂત બન્યું.
રફીનો અવાજ ગુરુ દત્ત, દેવ આનંદ, શમ્મી કપૂર, દિલિપ કુમાર અને અમિતાભ બચ્ચન સહિત અનેક બોલીવૂડ કલાકારોની ઓળખ બની ગયો. તેમની પ્રસ્તુતિ ફિલ્મના પાત્રમાં પ્રાણ ફૂંકી દેતી, જેના પરિણામે સાધારણ ગીતોનું પણ યાદગાર લાગણીઓમાં પરિવર્તન થતું. પછી તે ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ જેવા દેશભક્તિના ગીત હોય કે પછી ‘ચૌદવી કા ચાંદ હો’ જેવા રોમેન્ટિક ગીત હોય અથવા ‘જંગલી’ જેવી ફિલ્મોમાં શમ્મી કપૂર માટેના ઊર્જાયુક્ત ગીતો હોય, રફીની વૈવિધ્યતા અસીમિત હતી.
ઉમદા કલાકાર, ઉમદા વ્યક્તિ
તેમની અસાધારણ પ્રતિભા ઉપરાંત રફીની વિનમ્રતા અને ઉદારતા તેમને અન્યોથી નોખી કરતી હતી. પોતાના સમયપાલન અને પ્રમાણિકતા માટે જાણીતા રફી તમામ સંગીતકારોની રચનાને એક વિદ્યાર્થી જેવું સન્માન આપતા. તેઓ અનેકવાર સંઘર્ષ કરતા કલાકારો અને સંગીતકારો માટે ફી લીધા વિના ગાતા અને તેમની ઉન્નતિ સુનિશ્ચિત કરતા.
રફીના ભારતીય સંગીત ઉદ્યોગમાં અદ્વિતીય યોગદાનની કદર કરીને તેમને ૧૯૬૭માં પદ્મશ્રી સન્માન પણ આપવામાં આવ્યું હતું.
રફી પરિવાર પ્રત્યે અત્યંત સમર્પિત હતા અને બાળકો સાથે પતંગ ચગાવવા તેમજ બેડમિન્ટન રમવા જેવી સાધારણ મોજ માણનાનું પસંદ કરતા. વૈશ્વિક પ્રસિદ્ધિ છતાં તેઓ વિનમ્ર રહ્યા અને પોતાની સફળતાનું શ્રેય દૈવી આશીર્વાદને આપતા. રફીનો પુત્ર શાહિદ આજે પણ યાદ કરે છે જ્યારે રફીની અમેરિકાની ટૂરમાં પોતાના બોક્સર આઈકન મહમ્મદ અલી સાથે મુલાકાત કરાવી આપી.
રફીના પુત્ર શાહિદ રફીએ સુજાતા દેવ લિખિત મોહમ્મદ રફીઃ ગોલ્ડ વોઈસ ઓફ ધી સિલ્વર સ્ક્રીનમમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જેમાં રફીએ એ સમયે એક ભિખારીને સો રૂપિયાની નોટ આપી દીધી હતી. એ સમયે મુંબઈમાં ચોમાસુ હતું અને રફી સાહેબ સ્ટુડિયોથી પોતાને ઘર જઈ રહ્યા હતા. ટ્રાફિકમાં ધીમે ચાલતી કાર પાસે એક ભિખારી આવ્યો. કાયમ કારમાં ભીખ આપવા સિક્કાનો ડબ્બો સાથે રાખતા રફી પાસે એ સમયે સિક્કા ખલાસ થઈ જતા તેમણે ભિખારીને મનાઈ કરી. ત્યારે ભિખારીએ ગાડીની અંદર માથુ નાખીને રફી સાહેબનું મિસ મેરી ફિલ્મનું ગીત ગાવાનુું શરૂ કર્યું, ‘પહેલે પૈસા ફિર ભગવાન, બાબુ દેતે જાના દાન’. રફીને ભિખારીની આ હરકત સ્પર્શી ગઈ અને તેમણે આ ભિખારીને સો રૂપિયાની નોટ આપી દીધી.
સંઘર્ષ અને સિદ્ધિઓ
૭૦ના પ્રારંભિક દાયકામાં રફીની કારકિર્દીમાં થોડી નરમાશ આવી. એ સમયે કિશોર કુમારના મસ્તીભર્યા ગીતો પ્રચલિત થયા. છતાં, કલા પ્રત્યે રફીની સમર્પિતતામાં જરા પણ ઓટ ન આવી. એવા મુશ્કેલ સમયમાં પણ’તેરી ગલીઓમેં ના રખેંગે કદમ’ અને ‘અપની આંખોમેં બસાકર કોઈ ઈકરાર કરું’ જેવા તેમના ગીતો સદાબહાર હિટ સાબિત થયા. સાધારણ ગીતોને પણ અવિસ્મરણીય માસ્ટરપીસ બનાવવાની તેમની ક્ષમતાનો આ પુરાવો હતો.
રફીના પુત્ર શાહિદ યાદ કરે છે કે તેઓ જ્યારે હજ પઢવા ગયા ત્યારે કોઈ વડિલે તેમને સમજાવ્યું કે ગીતો ગાવા ઈસ્લામમાં હરામ છે. ભોળા રફીના મનમાં આ વાત વસી ગઈ અને તેમણે ગીતો ગાવાનું છોડી દેવાનું નક્કી કર્યું. પણ તેમના મિત્રો અને સંગીતકાર નૌશાદે તેમને ગાયકી કુદરતની દેન હોવાનું સમજાવ્યું અને કહ્યું કે પોતાના ગીતોથી તેઓ લોકોને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે ત્યારે તેમણે પોતાની સંગીતમય સફર ફરી શરૂ કરી દીધી.
અવિસ્મરણીય વિદાય
૩૧ જુલાઈ, ૧૯૮૦ના રોજ રફીનું ૫૫ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, જેના પરિણામે સંગીતની દુનિયામાં એક પૂરી ન શકાય તેવી ખાઈ સર્જાઈ. તેમની અંતિમ યાત્રામાં ભારે વરસાદ છતાં હજારો લોકો જોડાયા જે તેમની પ્રત્યેના ગાઢ પ્રેમ અને આદરનો પુરાવો છે. તેમની સાથે વર્ષો સુધી કામ કરનાર નૌશાદે કહ્યું કે તેેમને જો ઈશ્વર એક વરદાન માગવાનું કહે તો તેઓ રફીને એક કલાક માટે પાછો બોલાવી લે જેથી જીવનનું સૌથી મહાન ગીત રેકોર્ડ કરી શકાય.
યોગાનુયોગ રફીનું અંતિમ ગીત હતું ફિલ્મ આસપાસનું હતું, ‘શામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત, તું કહીં આસપાસ હૈ દોસ્ત’. આ ગીત તેમના અવસાનના થોડા કલાકો અગાઉ જ રેકોર્ડ થયું હતું.
કાલાતીત વારસો
આમ તો રફીએ હજારો ગીતો ગાયા છે, પણ કહેવાય છે કે તેમને શમ્મી કપૂર માટે ગાયેલું તુમ મુઝે યું ભૂલા ન પાઓગે સૌથી વધુ પ્રિય હતું. આ જ ગીત તેમણે વર્ષો સુધી પોતાના કોલરટયુન તરીકે રાખ્યું હતું.
રફીએ હીરો ઉપરાંત અન્ય કલાકારોને પણ પોતાનો અવાજ આપ્યો છે. જ્હોની વોકર માટે તેમણે ગાયેલા ગીતો એટલા જ લોકપ્રિય થયા હતા. જાને કહાં મેરા દિલ ગયા જી, ઐ દિલ હૈ મુશ્કિલ જીના યહાં, સર જો તેરા ચકરાએ, સુનો રે ભૈયા, મેરા યાર બના હૈ દુલ્હા, સુનો સુનો મિસ ચેટરજી જેવા અનેક ગીત આજે પણ ગણગણવા ગમે છે.
જ્હોની વોકર માટે રફીએ ૧૫૫ ગીતો ગાયા છે, જ્યારે શમ્મી કપૂર માટે સૌથી વધુ ૧૯૦, શશી કપૂર માટે ૧૨૯, ધર્મેન્દ્ર માટે ૧૧૪, દેવ આનંદ માટે ૧૦૦ અને દિલીપ કુમાર માટે ૭૭ ગીતો ગાયા છે. ૫૦થી ૮૦ના દાયકા સુધીના લગભગ તમામ સ્ટાર માટે રફીએ પોતાનો અવાજ આપ્યો છે. તેમણે કિશોર કુમાર માટે પણ ગીત ગાયા છે.
લતા મંગેશકર અને આશા ભોંસલે સાથે તેમનો સહયોગ સદા યાદગાર રહેશે. તેમણે બંને સાથે અનેક અવિસ્મરણીય યુગલ ગીતો રજૂ કર્યા જે આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.
સંપૂર્ણપણે નિર્વ્યસની હોવા છતાં નશીલા ગીતોમાં રફી શ્રોતાઓને નશો ચડાવતા. ‘મુજે દુનિયાવાલો શરાબી ના સમજો’ (લીડર,૧૯૬૪), ‘છુ લેેને દો નાજુક હોંઠો કો’ (કાજલ, ૧૯૬૫) અને ‘છલકા યે જામ’ ( મેરે હમદમ મેરે દોસ્ત, ૧૯૬૭) હજી પણ ભૂલાતા નથી. રફી ઉદાસીના ગીતોમાં પ્રાણ પૂરતા. ભગ્ન હૃદયના અને પ્રેમમાં દગાના ગીતો ‘હમ બેખુદી મેં તુમકો પુકારે ચલે ગયે’ (કાલા પાની, ૧૯૫૮), ‘કોઈ સાગર દિલ કો બહેલાતા નહિ’ (દિલ દિયા દર્દ લિયા, ૧૯૬૬), ‘ગમ ઉઠાને કે લિયે'(મેરે હુઝૂર, ૧૯૬૮), ‘દિલ કે ઝરોખે મેં'(બ્રહ્મચારી, ૧૯૬૮), ‘ખુશ રહે તુ સદા’ (ખિલોના, ૧૯૭૦), ‘યે દુનિયા યે મહેફિલ’ (હીર રાંઝા, ૧૯૭૦), ‘તેરી ગલિયો મેં ના રખેંગે કદમ’ (હવસ, ૧૯૭૪) અને સેંકડો ગીતો ઉદાસ વાતાવરણનો પર્યાય બની ગયા છે.
ઉદાસ ગીતોના બાદશાહ ગણાતા હોવા છતાં રફીના રોમેન્ટિક ગીતો અને ભજનો વર્ષો સુધી ટોપ પર રહ્યા છે. ‘અભી ના જાઓ છોડકર’ (હમ દોનો, ૧૯૬૧), ‘ચાહે કોઈ મુજે જંગલી કહે'(જંગલી, ૧૯૬૧), ‘દિલ કા ભંવર કરે પુકાર'(તેરે ઘર કે સામને, ૧૯૬૩), ‘ઐસે તો ના દેખો’ (તીન દેવિયાં), ‘તુમને મુઝે દેખા’ (તીસરી મંઝીલ), ‘આજ મૌસમ બડા બેઈમાન હૈ’ (લોફર, ૧૯૭૩) અને તેના જેવા સેંકડો ગીતો હજી પણ સાંભળવા ગમે એવા છે.