Ahmedabad, તા. ૨૬
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ મોટાપાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે ૪૫ જેટલા રહેણાક મકાનો, ૧૧૫ કોમર્શિયલ દુકાનો અને ૧૦ ધાર્મિક બાંધકામોને દૂર કરવામાં આવ્યાં હતાં. રોડ લાઈન ખોલવાની જરૂરિયાત ઊભી થતાં ગેરકાયદે બાંધકામ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેમનાં મકાનો તૂટ્યાં એ લોકોનું કહેવું છે કે “ત્રણ દિવસથી લાઇટ નથી, પાણી નથી, બાળકો પણ નાનાં નાનાં છે.”
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કાલિદાસ મિલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધી ઇડ્ઢઁ રોડ લાઈનને લઈને મેગા-ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કૉર્પોરેશનનું કહેવું છે કે રસ્તો પહોળો કરવાનો હોવાથી કેટલીક મિલકતોને દૂર કરાઈ રહી છે. ૪૫ જેટલાં રહેણાક મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. તેમજ ૧૧૫ જેટલા વેપાર સંબંધિત બાંધકામને જમીનદોસ્ત કરાયા છે. આ વિસ્તારમાં કાલિદાસ મિલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન થઈ અંબિકા ચાર રસ્તા સુધી ૩૦.૫૦ મીટર ઇડ્ઢઁ રોડ લાઈનને લઈને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. આ રોડ લાઈનને મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ ૨૦૦૬માં મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્લોટના માલિકોને ૨૦૦૬માં જ નોટિસ આપી વાંધા સૂચનો મંગાવાયા હતા. હાલમાં જ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વાંધા સૂચનોનો નિકાલ કરીને જમીનનો કબજો લેવા માટે મંજૂરી આપી હતી. નોટિસ સામે અરજદારોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જોકે, હાઇકોર્ટે પિટિશનનો નિકાલ કર્યો હતો. લોકો એવું પણ સ્વીકારે છે કે તેમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. લોકોએ કહ્યું કે “તેમને એક મહિનાનો સમય આપવાનું કહ્યું હતું, પણ ૧૫ દિવસમાં મકાનો તોડી પાડ્યાં છે.” એક વ્યક્તિએ કહ્યું કે તેમની દુકાન અને મકાન તોડી નાખ્યાં છે. તેમની દુકાન અહીં અંદાજે ૫૦ વર્ષથી હતી. જે મકાનો તૂટ્યાં એમાંના મોટા ભાગના લોકો મુસ્લિમ સમાજના છે. તેમનું કહેવું છે કે થોડા દિવસ પછી રમજાન મહિનો શરૂ થવાનો છે.