પૂર્વોત્તરમાં શાંતિ માટે ૧૦ ઐતિહાસિક કરારો કરાવ્યા કોંગ્રેસ મણિપુર મુદ્દે રાજકારણ બંધ કરે : નડ્ડાનો પત્ર
Manipur, તા.૨૩
મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૮ લોકો માર્યા ગયા છે. મૈતેઇ અને કૂકી સમુદાય વચ્ચે ફાટી નિકળેલી આ હિંસામાં બાદમાં ઉગ્રવાદીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમને પહોંચી વળવા તેમજ હિંસા પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકારે વધુ ૧૦ હજાર જવાનો મોકલવાનો નિર્ણય લીધો છે. હજુ એક સપ્તાહ પહેલા જ પાંચ હજાર જવાનોને રવાના કરાયા હતા. જોકે સ્થિતિ કાબુમાં ના આવી રહી હોવાથી વધુ જવાનો મોકલવામાં આવી રહ્યા છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે જણાવ્યું હતું કે મણિપુરમાં કેન્દ્રીય દળોની વધુ ૯૦ કંપનીઓ મોકલવામાં આવશે જેમાં જવાનોની કુલ સંખ્યા આશરે ૧૦૮૦૦ જેટલી હશે, આ ૯૦ કંપનીઓ સાથે જ મણિપુરમાં કુલ તૈનાત કેન્દ્રીય દળની કંપનીઓની સંખ્યા ૨૮૮એ પહોંચી ગઇ છે. તેમણે સાથે એમ પણ જણાવ્યું હતું કે મણિપુરમાં ગયા વર્ષથી હિંસા ફાટી નીકળી તેમાં કુલ ૨૫૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. જે ૧૦ હજારથી વધુ જવાનોને રવાના કરાયા છે તેમાંથી મોટી સંખ્યામાં ઇમ્ફાલ પહોંચી પણ ગયા છે. સાથે જ હિંસાને પહોંચી વળવા માટે તમામ જિલ્લામાં સેલ્સ અને જોઇન્ટ કન્ટ્રોલ રૂમ પણ ઉભા કરવામાં આવશે. ઉગ્રવાદીઓ દ્વારા લૂંટી લેવામાં આવેલા ત્રણ હજારથી વધુ હથિયારોને સુરક્ષા દળોએ પરત મેળવી લીધા છે. હાલ મણિપુરમાં પોલીસ, સીઆરપીએફ, બીએસએફ, આસામ રાઇફલ્સ, આઇટીબીપી, સશસ્ત્ર સીમા બલ સહિતના દળો મળીને કામ કરી રહ્યા છે. બે સપ્તાહ પહેલા જ મણિપુરમાં ફરી ભડકવા લાગી હતી. રાહત કેમ્પોમાંથી ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા છ લોકોના મૃતદેહ મળ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યો, મંત્રીઓના ઘરો પર હુમલા શરૂ કરી દીધા હતા. હુમલાના ડરને પગલે મણિપુરના અન્ન પુરવઠા અને નાગરિક સુરક્ષા મંત્રી સુસિન્દ્રો મૈતેઇએ ઇમ્ફાલમાં પોતાના ઘરની બહાર વાયર ફેન્સિંગ કરાવ્યું હતું. સાથે જ સમગ્ર ઘરની જાળી લગાવીને કિલ્લેબંધી કરી લીધી હતી.