મલાઈકા અરોરાએ આર્થિક સ્વતંત્રતા અને મહિલાની આગવી ઓળખ વિષે વ્યક્ત કરેલા વિચારોમાં આધુનિક મહિલાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે
Mumbai, તા.૨૮
મલાઈકા અરોરાએ પર્સનલ લાઈફમાં ડાઈવોર્સ અને બ્રેકઅપ જેવી ઘટનાનો સામનો કરેલો છે. ખાન પરિવારની બંડખોર પુત્રવધૂથી માંડીને અર્જુન કપૂરની એક્સ ગર્લળેન્ડ સુધીના વિવિધ તબક્કામાંથી પસાર થયેલી મલાઈકા અરોરાના મતે, મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતા ખૂબ જરૂરી છે અને કોઈપણ ભોગે તેનું જતન થવું જોઈએ. પરિણીત અને લગ્નોત્સુક મહિલાઓને ઉદ્દેશીને મલાઈકાએ પ્રશ્નોત્તરી દરમિયાન લગ્ન પછી મહિલાની વ્યક્તિગત ઓળખના મહત્ત્વ અંગે વાત કરી હતી. લગ્ન પછી પતિના ફાઈનાન્સની સાથે જ પોતાના આર્થિક વ્યવહારો ભેળવી દેવાના બદલે અલગ રાખવા મલાઈકાએ સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે, જો તેરા હૈ, વો તેરા હૈ. જો મેરા હૈ, વો મેરા હૈ. લગ્ન પછી મહિલા નવા પરિવારમાં ભળી જવા પ્રયાસ કરે છે, પરંતુ આ સાથે પોતાની અલગ ઓળખ પણ જાળવી રાખવી જોઈએ. મલાઈકાએ લગ્ન પછીના ફાઈનાન્સ પ્લાનિંગ અંગે ખુલીને વાત કરતાં કહ્યું હતું કે, સાથે મળીને આગળ વધવું તે સારી બાબત છે. પણ, તેનો અર્થ એ નથી કે, તમારા અસ્તિત્વને ભૂંસીને નવી ઓળખ ધારણ કરી લેવી. લગ્ન પછી પતિની અટકને મહિલા ધારણ કરે છે. ઠીક છે, પરંતુ બેંક એકાઉન્ટ તો અલગ જ રાખવા જોઈએ. મલાઈકા અરોરાએ આર્થિક સ્વતંત્રતા અને મહિલાની આગવી ઓળખ વિષે વ્યક્ત કરેલા વિચારોમાં આધુનિક મહિલાના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય છે. અરબાઝ ખાન સાથે લગ્ન બાદ મલાઈકા અરોરા ફિલ્મી પરિવારની સભ્ય બની હતી. બે દાયકાના લગ્નજીવન બાદ ૨૦૧૭માં મલાઈકાએ અરબાઝ સાથે છૂટાછેડા લીધા હતા. આ અગાઉ ૨૦૧૬થી મલાઈકા અને અર્જુન પાર્ટનર તરીકે સાથે રહ્યા હતા. તાજેતરમાં અર્જુન અને મલાઈકા છૂટા પડ્યા હોવાનું કહેવાય છે. મલાઈકાએ તાજેતરમાં પોતાના દીકરા અરહાન સાથે મળીને મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી છે. આ ઉપરાંત મોડેલિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ મલાઈકા સારું કમાઈ રહી છે.