Maharashtra,તા.૬
છેલ્લા કેટલાક સમયથી ભારતના વિવિધ રાજ્યોમાં લોકો એક પછી એક ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે ભારતના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ઉઠી હતી.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સોમવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૭ માપવામાં આવી હતી. પાલઘર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડાએ સોમવારે આવેલા ભૂકંપ વિશે માહિતી આપી છે. સત્તાવાર અહેવાલને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના દહાણુ તાલુકામાં સવારે ૪.૩૫ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અધિકારીએ જણાવ્યું છે કે પાલઘરના દહાણુ તાલુકાના બોરડી, દાપચરી અને તલાસારી વિસ્તારના લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાલઘરમાં ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ કે કોઈ જાન-માલને નુકસાન થયું હોવાની માહિતી મળી નથી.
ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરના સમયમાં ભૂકંપની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખરેખર, આપણી પૃથ્વીની અંદર ૭ ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો તેમની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.