Maharashtra, તા.૨૩
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન મહાયુતિએ શાનદાર જીત નોંધાવી છે. રાજ્યમાં ફરી એક વાર તેમની સરકાર બનતી દેખાઈ રહી છે. ૨૮૮ સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિને ૨૦૦થી વધારે સીટ મળી રહી છે. તો વળી મહાવિકાસ અઘાડીને ૭૦થી ઓછી સીટો મળી રહી છે. રાજ્યમાં બંપર જીત બાદ મહાયુતિમાં હવે સીએમ પદને લઈને મહામંથન શરુ થઈ ગયા છે. એકનાથ શિંદેએ કહ્યું કે, “ત્રણેય પાર્ટીઓ મળીને નિર્ણય લેશે.” તેમણે એવું પણ કહ્યું કે, “એ નક્કી નથી કે જેની વધારે સીટો આવી છે, સીએમ તેમનો જ બનશે.”
અજિત પવારે કહ્યું કે, “અમે રેકોર્ડ તોડ્યા છે. મોદી સરકાર અમારા માટે મજબૂત આધાર છે. મહારાષ્ટ્રમાં પહેલી વાર આવી જીત મળી છે.” તેમણે આગળ કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાએ વિકાસ જોયો અને મહાયુતિને સફળતા અપાવી. રાજ્યને ગરીબ બનાવવા માટે અમારી ટીકાઓ કરી. પ્યારી બહેન યોજના ગેમચેન્જર સાબિત થઈ. વિરોધીઓને પતન થઈ ગયું.”
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તમામ સાધુ સંતોના આશીર્વાદ મળ્યા, એકનાથ શિંદે, અજિત પવાર સહિત તમામ નાની પાર્ટીની એકજૂટતાની જીત છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, ગડકરીજી, પીયૂષ ગોયલનો આભાર માર્ગદર્શન આપવા માટે. અમારા નેતાઓએ ફક્ત ભાજપની જ નહીં પણ તમામ દોસ્તોની સીટ પર કામ કર્યું, જેનાથી આ જીત મળી. હું આધુનિક અભિમન્યૂ છું, જે ચક્રવ્યૂહને તોડવાનું જાણું છું અને મેં તોડી નાખ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદને લઈને કહ્યું કે, કોઈ વિવાદ નથી. અમિત શાહે પહેલા જ કહ્યું હતું કે, સીએમની ચૂંટણી બાદમાં નક્કી થશે. વરિષ્ઠ નેતા નિર્ણય લેશે.