Prayagraj,તા.3
બે હજાર નાગા સાધુઓની સાથે મહાનિર્વાણી અખાડાના સાધુઓએ ગઈકાલે મહાકુંભ મેળા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. હાલ કુંભમેળા ક્ષેત્ર 10 હજાર નાગા સાધુઓથી ભરાઈ ગયું છે.
ગુરુવારે નીકળેલી મહાનિવાર્ણી અખાડાની પેશવાઈમાં નાગા સંન્યાસીઓના એવા કરતબ જોયા જે અત્યાર સુધી કોઈ પેશવાઈમાં નહોતા જોવા મળ્યા. પુરા શરીરમાં ભસ્મ લપેટીને નાગા સંન્યાસીઓએ જયારે માથુ ઘુમાવી, પોતાની જટાને હવામાં લહેરાવી તો આ દ્દશ્ય જોઈ લોકો અચંબામાં પડી ગયા હતા. મોંથી મશાલમાં આગ લગાવતા નાગા સાધુઓએ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.
નાગા સાધુઓના આ કરતબ પુરી પેશવાઈ (સરઘસ) દરમિયાન પાલતું રહ્યું હતું. લોકોએ ચરણરજ માથે લીધી: નાગા સાધુઓ જયારે વાટિકાથી બહાર નીકળી ભસ્મથી સજી ધજીને નીકળ્યા તો માર્ગની બન્ને બાજુ રહેલી ભીડે નાગા સાધુઓની ચરણરજ માથે લીધી હતી.
આચાર્ય મહામંડલેશ્વર સ્વામી વિશોકાનંદ ભારતની આગેવાનીમાં સંતોની સવારી બક્ષી ડેમ તરફ આગળ વધી તો ત્યાંનુ દ્દશ્ય અદભૂત અને અલૌકીક હતું. આ અખાડામાં 67 મહામંડલેશ્વર છે. મહિલા મંડલેશ્વર સહિત અખાડાના લગભગ 50 મહામંડલેશ્વર પેશવાઈમાં સામેલ થયા હતા. આ સાધુઓ હાથી, ઉંટ અને ઘોડા પર સવાર થઈ પેશવાઈની શોભા વધારી રહ્યા હતા.