Prayagraj,તા.૧૫
મહાકુંભ મેળામાં મંગળવારે શરદ જૂથના એનસીપી નેતા મહેશ કોઠેનું સ્નાન દરમિયાન નિધન થયું. શાહી સ્નાન દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનો ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. ૬૦ વર્ષીય મહેશ કોઠે મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા. જ્યાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા.
મહેશ કોઠે ૨૦ નવેમ્બરે સોલાપુરથી ભાજપના વિજય દેશમુખ વિરુધ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. કોઠેના પરિવારમાં પત્ની અને એક દીકરો છે. હાલ પ્રયાગરાજમાં હાડ ધ્રુજાવે તેવી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાથી અનેક શ્રદ્ધાળુઓ બીમાર પડી રહ્યા છે.
આ અંગે મળતી જાણકારી અનુસાર ૧૩ જાન્યુઆરીએ કુંભ સ્નાન કર્યા બાદ લગભગ ૩૦૦૦ શ્રદ્ધાળુઓ કેન્દ્રીય હોસ્પિટલમાં ઓપીડીમાં સારવાર લેવા પહોંચ્યા હતા. જેમાંથી ૨૬૨ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે ૩૭ દર્દીઓને ગંભીર હાલત હોવાથી અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. શાહી સ્નાન પછી અત્યાર સુધીમાં ૩ લોકોનું નિધન થઈ ચૂક્યું છે.
મકરસંક્રાંતિના અવસર પર મહા કુંભમાં પહેલું અમૃત સ્નાન કરવામાં આવ્યું. જેમાં સવારે ૮ઃ૩૦ કલાકથી અમૃત સ્નાન શરૂ થયું હતું. મહા કુંભમાં મકરસંક્રાંતિ પર ૧.૩૮ કરોડ શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હોવાનું અનુમાન છે. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે મહાકુંભમાં હજારો શ્રદ્ધાળુઓ બિમાર પડી રહ્યા છે. જેના કારણે સ્થાનિક હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળે છે.