Madhya Pradesh માં ધાર્મિક કાર્યક્રમ વખતે મંદિરની દીવાલ ધરાશાયી

Share:

મધ્ય પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સાગર જિલ્લાના શાહપુરમાં દિવાલ પડી ગઈ જેમાં નવ બાળકો દટાયા હતા

Bhopal, તા.૪

મધ્ય પ્રદેશમાં એક મંદિરની દિવાલ પડી જવાના કારણે તેની નીચે બાળકો દટાઈ ગયા હતા જેમાં ૯ બાળકોના મોત થયા છે. રાજ્યના સાગર જિલ્લાના શાહપુરમાં આ ઘટના બની છે જ્યાં ભારે વરસાદ પડ્યો હતો અને તે દરમિયાન બાળકો માટીનું શિવલિંગ બનાવતા હતા. અચાનક દિવાલ ધસી પડતા બાળકો ચગદાઈ ગયા હતા. નવ બાળકોના મોતની પુષ્ટિ થઈ છે અને બીજા કેટલાયને ઈજા થઈ છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. એવું જાણવા મળ્યું છે કે મંદિરની દીવાલ લગભગ ૫૦ વર્ષ જૂની હતી અને નબળી અવસ્થામાં હતી. વરસાદના કારણે દિવાલ જોખમી બની ગઈ હતી. હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. ત્યારે આજે ત્યાં શિવલિંગ બનાવવામાં આવતું હતું જ્યાં બાળકો પણ હાજર હતા. ૮થી ૧૪ વર્ષની વયના અનેક બાળકો પણ ત્યાં માટીના શિવલિંગ બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ મંદિર પરિસરની નજીક આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બાળકો દટાયા હતા. આ કરૂણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ બાળકોના મોત થયા છે.

આ ઘટના પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા ૪-૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મૃત્યુ પામેલા બાળકોના આત્માને પરમાત્મા શાંતિ આપે અને ઈજાગ્રસ્ત બાળકોના ઝડપથી સ્વસ્થ તેવી પ્રાથના કરૂં છું.

છેલ્લા ૨૪ કલાકમાં સાગરમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે કાચા અને જર્જરિત બાંધકામોને અસર થઈ હતી અને આ દીવાલ ધરાશાયી થવાનું જોખમ વધી ગયું હતું. મધ્ય પ્રદેશમાં આ દુર્ઘટના પછી તરત દિવાલનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર કાઉન્સિલ, પોલીસ અને રહેવાસીઓ રાહત કાર્યમાં જોડાયા હતા. આ દિવાલ મંદિર સંકુલની બાજુમાં આવેલી હતી અને છેલ્લા પચાસ વર્ષથી જર્જરિત હાલતમાં હતી. તેના નવીકરણ અથવા દૂર કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ ઘટના પછી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા ન હતી. એક પણ ડોક્ટર ઉપસ્થિત ન હતા અને ફક્ત એક કર્મચારી ફરજ પર હાજર હતો. લોકોનો આરોપ છે કે ડોક્ટરો અવારનવાર આવે છે અને માત્ર સહી કરીને જતા રહે છે. ઈજાગ્રસ્ત બાળકોને ડ્રેસિંગ કરવા માટે હોસ્પિટલમાં કોઈ નહોતું જેના કારણે લોકોનો ગુસ્સે ભરાયા હતા.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *