Los Angeles માં આલીશાન ઘરોમાં લૂંટની શરૂઆત : પોલીસે ચેતવણી આપી

Share:

Los Angeles,તા.10

હોલીવુડ માટે વિશ્વભરમાં જાણીતું અમેરિકન શહેર લોસ એન્જલસ સૌથી મોટી તબાહીનો સામનો કરી રહ્યું છે. જંગલમાં લાગેલી આગથી શહેરનાં મોટા ભાગનો નાશ થયો છે.  દરમિયાન વિશ્વનાં સૌથી મોંઘા મકાનો ધરાવતાં આ શહેરમાં લૂંટની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસે 20 ની ઘરપકડ કરી છે. 

અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યનાં જંગલોમાં લાગેલી આગમાં લોસ એન્જલસ શહેરનો મોટો હિસ્સો બળીને રાખ થઈ ગયો છે.  આગમાં મોટી સંખ્યામાં ઘરો, શાળાઓ અને ધાર્મિક સ્થળો બળીને રાખ થઈ ગયાં છે.  અધિકારીઓએ કહ્યું કે બે દિવસ પછી પણ લોસ એન્જલસ શહેરમાં લાગેલી આગ કાબૂમાં આવી નથી. આગ સતત વધી રહી છે. અધિકારીઓએ અત્યાર સુધીમાં 8 મોતની પુષ્ટિ કરી છે અને આ સંખ્યા વધી શકે છે. આ દરમિયાન, આગથી લપેટાયેલા શહેરમાં લૂંટફાટ શરૂ થઈ હોવાનાં અહેવાલો છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને તેને લોસ એન્જલસના ઈતિહાસની સૌથી વિનાશક આગ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરની પશ્ચિમ બાજુએ સાન્ટા મોનિકા અને માલિબુ વચ્ચેની પાલિસેડ્સ આગ અને પૂર્વમાં પાસાડેના નજીક ઇટોન આગથી અત્યાર સુધીમાં લગભગ 30000 એકર વિસ્તાર બળી ગયો છે અને સમગ્ર વિસ્તાર રાખ થઈ ગયો છે

પોલીસે જણાવ્યું કે લૂંટારુઓ ખાલી મકાનોને નિશાન બનાવી રહ્યાં છે. આગને કારણે હજારો રહેવાસીઓએ તેમનાં ઘરો ખાલી કર્યા હોવાથી, લૂંટારાઓએ ખાલી પડેલાં ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. લૂંટની ઘટનાઓ એટલી વધી ગઈ કે અધિકારીઓને ચેતવણી આપવી પડી હતી. એલએ કાઉન્ટીના અધિકારી કેથરીન બાર્ગરને જણાવ્યું કે, ’કટોકટીની વચ્ચે, અમે બધાએ એવાં લોકોને જોયા છે જેઓ ઘરફોડ ચોરી અને લૂંટફાટ કરી રહ્યાં છે. 

તેણીએ કહ્યું કે પોલીસે અત્યાર સુધીમાં 20 ધરપકડ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે આગમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયાં છે અને હજારો ઈમારતો નાશ પામી છે. લગભગ 180000 લોકોને તેમનાં ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું હતું કે ઇટોન આગ મોટાભાગે વધતી અટકાવવામાં આવી છે, જોકે તે હજુ પણ આગ ભીષણ છે. આ દરમિયાન, સપ્તાહની શરૂઆતમાં 160 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ થોડી ધીમી પડી છે, જેનાથી જમીન પરના ક્રૂને હવાનો ટેકો મળી રહ્યો છે.

મંગળવાર અને બુધવારની તુલનામાં સ્થિતિ સારી છે, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સમગ્ર દિવસ દરમિયાન 95 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રહેવાસીઓએ સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવું જોઈએ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *