માસિક 40 ટકાના વ્યાજે લીધેલા 5 લાખના 15 લાખ ચૂકવ્યા છતાં યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો
Rajkot તા.2
રાજકોટ શહેરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી નહીં થવાથી વ્યાજખોરો બેફામ બન્યા છે. લેબર કોન્ટ્રાક્ટર યુવકે ધંધા માટે રૂ.5 લાખ માસિક 40 ટકા વ્યાજે લીધા હતા જેની સામે વ્યાજખોરને રૂ.15 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં વ્યાજખોરે વધુ રૂ.60 લાખની માંગ કરી ખૂનની ધમકી આપી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારિયા વિસ્તારની શાનદાર ટાઉનશિપમાં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય સંભાળતા હર્ષદભાઇ જાદવભાઇ લીંબાસિયા (ઉ.વ.41)એ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિકુલ ગઢવીનું નામ આપ્યું હતું. હર્ષદભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં નિકુલ ગઢવી પાસેથી રૂ.5 લાખ અઠવાડિયાના 10 ટકા વ્યાજે લીધા હતા. હર્ષદભાઇ દર અઠવાડિયે રૂ.50 હજાર વ્યાજના ચૂકવતા હતા, અને અત્યાર સુધીમાં વ્યાજખોર નિકુલ ગઢવીને કુલ રૂ.15 લાખ ચૂકવી દીધા હતા, બાદમાં નાણાંની વ્યવસ્થા નહીં થતાં હર્ષદભાઇએ વ્યાજ ચૂકવવાનું બંધ કરતાં નિકુલ ગઢવી ફોન કરી નાણાંની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યો હતો.
ગત તા.19 ફેબ્રુઆરીના નિકુલ ગઢવીએ લેબર કોન્ટ્રાક્ટર હર્ષદભાઇને ફોન કરી વ્યાજ સહિત કુલ રૂ.60 લાખની ઉઘરાણી કરી હતી અને આ અંગે પ્રોમિસરી નોટ લખી આપવા તાત્કાલિક જૂની કોર્ટ પાસે આવી જવા કહ્યું હતું અને લખાણ કરવા નહીં આવે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બેફામ બનેલા વ્યાજખોર નિકુલ ગઢવીની ધમકીથી ગભરાઇ ગયેલા હર્ષદભાઇ અનેક દિવસ સુધી ગુમસુમ રહ્યા હતા અને અંતે મિત્રોને જાણ કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી નિકુલ ગઢવીની શોધખોળ શરૂ કરી હતી.
હર્ષદભાઇ લિંબાસિયાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, નિકુલ ગઢવી લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરે છે, પરંતુ તેની પાસે ધીરધારનું લાયસન્ય નથી. માસિક ચાલીસ-ચાલીસ ટકા સુધીનું તોતિંગ વ્યાજ વસૂલનાર નિકુલ ગઢવીના આ વ્યાજખોરીના ગોરખધંધા પાછળ કોઇ મોટા માથાની આશીર્વાદ હોવાની શંકા સેવાઇ રહી છે.